મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ન્યૂ કોટન ચાર રસ્તા ખાતે એક બસ સાથે અકસ્માતમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી પ્રમાણે  સવારે બનેલી આ ઘટનાને પગલે અહીં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ લોકો આવી જતાં ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશને આવી ગયા હોવાની જાણકારીઓ મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોડેક્ટ પાસેના ન્યૂ કોટન ચાર રસ્તા પરથી એક મહિલા પસાર થઈ રહી હતી. દરમિયાન એક એએમટીએસ બસ સાથે અકસ્માત થતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ગંભીર ઈજાઓને પગલે મહિલાનું મોત નિપજ્યું હતું. આ બાજુ બસ સાથે અકસ્માત થતાં લોકોના ટોળા આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં મહિલાનો જીવ ગયો હોવાનું જાણી લોકોમાં આક્રોશ હોવાનું કહેવાઈ રહ્યું છે. જેને કારણે બસ ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બેફામ બસ દોડાવાતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. તટસ્થ પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.