મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ તમિલનાડુમાં ગઈકાલે બપોરે હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપિન રાવત શહીદ થયા. આ ઘટનામાં અન્ય ઘણા નામી અધિકારીઓ જવાનો શહીદ થયા, બિપિન રાવતના પત્ની પણ મૃત્યુ પામ્યા અને તે ઘટનાને કારણે દેશભરમાં લોકો દુઃખી હતા. લોકોએ પોતાના દુઃખને વિવિધ રીતે વ્યક્ત કર્યું ત્યારે એક વ્યક્તિ એવો પણ હતો જેણે આ ઘટનામાં પણ અયોગ્ય બાબત શોધી કાઢી અને સીડીએસ પછી અજીત ડોભાલનો વારો એવા પ્રકારની અયોગ્ય ટીપ્પણી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત અને તેમના પત્નિ સહિત 13 લોકોનુ મૃત્યુ થયુ હતું. આ ઘટના બાદ ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ અને દેશના સામાન્ય નાગરિકોએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે અમરેલીના એક વ્યક્તિએ બિપિન રાવત અંગે વિવાદીત પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આજે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં રહેતો શિવા આહીર (ઉં.વ. 44) વ્યક્તિ ખેતીવાડી કરતો હતો. તે ફેસબુકમાં શિવાભાઈ આહીર નામની પોતાની પ્રોફાઈલ પર અવારનવાર વિવિધ અયોગ્ય પોસ્ટ કરતો હતો. તેની પોસ્ટમાં કોઈ ધર્મ કે વર્ગને દુઃખ પહોંચે તેવી પોસ્ટ જોવા મળતી હતી. જેની પાછળ કારણ પણ અજીબ છે, શિવા આહીર અગાઉ ઉપસરપંચ રહી ચુક્યો છે અને આગામી ચૂંટણીમાં તેની સરપંચ બનવાની ઈચ્છા હતી. તેને એવું ગણિત હતું કે આવી આક્રમક સ્પીચથી રાજકીય કારકીર્દી ચમકશે. તે લોકોમાં નામના મેળવવા માટે આવી પોસ્ટ કરતો રહેતો હતો. જોકે તેને આ ગણિત બેઠું નહીં કે સાયબર ક્રાઈમ પોલીસ પણ સતત તેની પ્રોફાઈલનું ટેક્નીકલ એનાલીસીસ કરતી હતી. ગઈકાલે પણ તેણે CDS બિપિન રાવતનાં નિધન બાદ તેણે તેમના અંગે અયોગ્ય ટીકા ટીપ્પણી કરી હતી.
Advertisement
 
 
 
 
 
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી ધર્મ, જાતિ, વર્ણને લઈને ઘણી પોસ્ટ આવતી હોય છે જેના પર પોલીસ સતત નજર રાખીને બેઠી છે, આ શખ્સે કરેલી પોસ્ટમાં પણ વારંવારની આ પ્રકારની પોસ્ટ અને અયોગ્ય ટીપ્પણીઓને પગલે લોકોમાં નારાજગી ઊભી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓને જોતા પોલીસે તેની સામે એક્શન લીધા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એમ એચ પુવાર, પીએસઆઈ આર એસ ગોહીલ, કેતૂલ મોદી, એ આર ભાભોર, પો.કો. ચિંતનકુમાર પ્રવિણભાઈ, હેડ કો. મહેન્દ્રસિંહ હેમતસિંહ, ભાવિનભાઈ મુળજીભાઈ અને મહેન્દ્રસિંહ રમેશદાન આ કારણે રાજુલાના ભેરાઈ ગામ પહોંચી ગયા. તેઓએ ત્યાં શિવાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી અને ત્યાંથી શિવા આહીરની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વધુ કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, શિવા આહીર નામનો આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી પોતાના સોશિયલ મીડિયામાં નફરતભર્યા નિવેદનો પાસ્ટ કરતો હતો. એવામાં ગઈકાલે CDS બિપિન રાવતનાં નિધન બાદ શિવા આહીરે તેમના અંગે વિવાદીત ટીપ્પણી કરી હતી ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. પોલીસની પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તે પહેલા ઉપસરપંચ હતો અને હવે આગામી સમયમાં સરપંચની ચૂંટણીમાં પોતે ચૂંટાય અને સરપંચ બને તેવી તેની ઈચ્છા હતી. જેના માટે તે પૂર્વ તૈયારીમાં લાગ્યો હતો અને પોતાની છાપ લોકોમાં આગવી રીતે પડે તેવી રીતે અલગ અલગ મુદ્દાઓ પર તે આવી પોસ્ટ કરી તેનો ફાયદો ચૂંટણીમાં લેવા માગતો હતો. જોકે હવે પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
 
 
 
 
 
અમરેલીઃ રાજકીય કારકિર્દી ચમકાવવા યુવકે શહીદ CDS બિપિન રાવત અંગે કરી અયોગ્ય પોસ્ટ, અમદાવાદ સાયબર ક્રાઈમે દબોચ્યો pic.twitter.com/wwwjJviW0D
— Darshan Patel (@darshan_pal) December 9, 2021