મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ વનતંત્રના ઘણા પ્રયાસો બાદ પણ ગીરના જંગલોમાં સિંહોને હેરાન કરી વિકૃત આનંદ ઉઠાવવાનો સિલસિલો ચાલુ જ છે. અવારનવાર સિંહોની પજવણી થતી હોય તેવી ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વનતંત્રના એક ટ્રેકરે રાજકોટ પાસિંગ બાઈક સાથે એક મૃત વાંછરડું બાંધીને સિંહને દોડાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ વનતંત્ર દ્વારા ટ્રેકરને પકડી પાડવામાં આવ્યો હતો અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.

જાણકારી મુજબ વીડિયો લાઠીના મતીરા રાઉન્ડના લુહરિયા વીડિ સ્થિત હનુમાન મંદિર પાસેનો છે. જેમાં સ્પષ્ટ રુપે જોઈ શકાય છે કે, 4-5 યુવકો બાઈક પર જઈ રહ્યા છે. તેમાંથી રાજકોટ પાસિંગ વાળા બાઈક સાથે એક મૃત વાછરડું બાંધીને સિંહને કુતરાની જેમ પાછળ દોડાવવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થવા પર વનતંત્રના સીસીએફ વસાવડાએ તપાસના આદેશ આપી દીધા છે. અને બાઈક નંબરના આધાર પર ટ્રેકરને પકડી પાડ્યો છે.

આરોપીના મુજબ તે પોતાના દોસ્તોને ગેરકાયદે રીતે સિંહો બતાવવા લઈ ગયો હતો. જ્યાં તેમને વિકૃત આનંદ કરાવા અને પોતાની વાહવાઈ માટે તેમે સિંહને કુતરાની જેમ દોડાવ્યો હોવાની હકીકત તેણે સ્વિકારી હતી. જોકે તેના દોસ્તો દ્વારા ઉતારાયેલો વીડિયો વાયરલ થવા પર આ ઘટના સામે આવી જવાથી તે ખુદ જ કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ ગયો છે. વનતંત્રના અધિકારીઓ દ્વારા બાબતને ગંભીર રીતે લઈને તપાસ હાથ ધરાઈ છે અને ટ્રેકરએ પહેલા કેટલી વાર આવી હરકત કરી છે તે દિશામાં પુછપરછ ચલાવી છે.