પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની જેલોના પોલીસ વડાના જડતી સ્ક્વોડએ તા. 29 જુલાઈના રોજ અમરેલી જેલની જડતી લીધી હતી. ત્યારે જેલની દીવાલ પાસેથી ડ્યૂઅલ સીમનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મામલે જડતી સ્કવોડે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલીના એસપી નિર્લિપ્ત રાયએ એલસીબી પીઆઈ આર કે કરમટાને તપાસ સોંપી હતી. આ તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તે અત્યંત ચોંકાવનારી હતી જેના આધારે નિર્લિપ્ત રાયે ત્રણ અધિકારીઓની એસઆઈટી બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, અમરેલીના ખુંખાર ગુનેગારો ખુન અને બળાત્કાર સહિત ગુજકોટોપ એક્ટ હેઠળ પકડાયેલા આરોપીઓ જેલ સ્ટાફ પાસે મેળાપીપણું કરી જેલની વીઆઈપી બેરેકમાં એન્ટ્રી મેળવી લે છે. આમ તમામ કુખ્યાત ગુનેગારો વીઆઈપી બેરેકમાં ભેગા થઈ જાય છે. 

તપાસમાં બહાર આવેલી હકીકતમાં આ બેરેકમાં રહેલા કેદીઓ વિવિધ પ્રકારના મોબાઈલનો ઉપયોગ કરતાં હતા. જેમાં ચાલીસ જેટલા આઈએમઈઆઈ અને સત્તર જેટલા મોબાઈલનો ઉપયોગ થયો હતો. આ ખુંખાર ગુનેગારો જેલમાંથી ફોનનો ઉપયોગ કરી ખંડણી ઉઘરાવતા હતા. અમરેલી પોલીસે આંતરેલા સંદેશાઓમાં એક મોટી વસ્તુનો ઘટસ્ફોટ થયો કે, આ ગુનેગારો જેલમાં રહેલા અન્ય કેદીઓને પણ પોતાના ફોનનો ઉપયોગ પીસીઓ તરીકે કરાવતા હતા અને તે પેટે ફોન કરવા ઈચ્છતા કેદી પાસેથી માતબર રકમ લેવામાં આવતી હતી.

બીજો ઘટસ્ફોટ એવો થયો કે, હત્યાના કેસનો આરોપી કે જેની ઉપર ખુદ પોલીસની જ હત્યા કરવાનો આરોપ છે તેવા કેદી ગુજરાતના કોઈપણ જેલમાં રહેલા કેદીને જામીન જોઈતા હોય તો રાજકોટના ડોક્ટર ધીરેન મોરારભાઈ ઘીવાલાનું બનાવટી સર્ટિફીકેટ પણ અપાવતો હતો. ડો. ધીરેન ઘીવાલાના ખોટા મેડીકલ સર્ટિફીકેટના આધારે અસંખ્ય કેદીઓ જામીન મેળવી ચુક્યા છે. આ મામલે અમરેલી પોલીસે ડો. ધીરેન ઘીવાલા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરાંત અન્ય છ આરોપીઓ કે જેમના નામ ખુલ્યા છે તેમને પકડવાના હજુ (આ લખાય છે ત્યારે) બાકી છે. 

અમરેલી એસપી નિર્લિપ્ત રાયે અમારા મેરાન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું કે, આ રેકેટ જેલ પોલીસની મદદ વગર શક્ય જ નથી. જોકે હજુ તપાસ ચાલુ છે. આ મામલે સંડોવાયેલા જેલ પોલીસને પણ આરોપી બનાવવામાં આવશે.