મેરાન્યુઝ નેટવર્ક.અમરેલી: અમરેલી એસપીએ કાઠી સમાજ સહિતના લોકો માટે આજે એક સંદેશો જાહેર કર્યો છે. તેમણે જાહેર કરાયેલા સંદેશામાં તેમણે કહ્યું છે કે હાલમાં જ પત્રકારોને સંબોધીને એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા બાબતે લોકોમાં ગેરસમજ ઊભી થાય તે માટે હકીકતને વિકૃત રીતે મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે જે મુદ્દાઓ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.

1- પોલીસનો વિડીયો ઉતારવાના મામલે અશોક બોરીચાના બહેન પર 307 નો ગુનો નોંધીને બાદમાં તે કલમ હટાવી ને ચાર્જશીટ કરી હોવાનો આક્ષેપ છે કે આરોપી અશોક જેતાભાઇ બોરીચા સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશને 307 કલમ અને આર્મ્સ એક્ટ શહીદની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે એલસીબી એસઓજી તથા સાવરકુંડલા રૂરલ પોલીસ બનાવ સ્થળે હતા ત્યારે અશોક બોરીચાના બહેન હેમુ બેન દિનેશ ભાઈ ખાચર દ્વારા પોલીસને કાયદેસરની કાર્યવાહીમાં અડચણ કરવામાં આવી હતી. જેથી તેમના વિરુદ્ધ શરૂઆતથી જ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી. જેની સામેની ચાર્જશીટ કરવામાં આવી છે અને હાલ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા છે.


 

 

 

 

 

2- કાઠી સમાજને સીધી રીતે ટાર્ગેટ કરીને તેના પોલીસ કર્મચારીઓને લગભગ તમામ હેડ ક્વાર્ટરમાંથી બદલી કરી દેવામાં આવી છે અને કેટલાકને દરિયાકાંઠે ચાંચ બંદર બદલી કરવામાં આવી છે. તેમની સાથે ત્રાસ જનક વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરંતુ આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે કાઠી ક્ષત્રિય સમાજને યોગ્ય લાયકાત ધરાવતા પોલીસ કર્મચારીઓ એલસીબી, પેરોલ ફર્લો, સ્ક્વોડ જેવી મહત્વની શાખાઓ ઉપર ફરજ બજાવી રહ્યા છે..

3- કાઠી સમાજના એક અગ્રણી દાદાની દીકરી પર ખોટો આરોપ ઊભો કરીને તેના ચારિત્ર્ય અને બદનામ કરવા અખબારોમાં નિવેદન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે તદ્દન ખોટા આક્ષેપો છે. પોલીસને આ અંગે અરજી મળેલી હોવાથી જે અરજી આધારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી જે તપાસ હાલ શરૂ છે.

4- સેંજળ ગામના કાઠી ક્ષત્રિય જમીનદાર નટુભાઈ ખુમાણ કે જેમની ઉપર એક પણ ગુણો ન્હોતો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 20 મિનિટના સમયગાળામાં તેમની સામે ચાર ગુંનાઓ નોંધાઈ ગયા અને તેને નામના ગંભીર ગુનામાં ફિટ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે કે આરોપી નટુભાઈ સુરેશ ભાઈ વિરુદ્ધ હથિયાર ધારા સહિતના નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા છે.
- વંડા પોલીસ મથકે આર્મ્સ એક્ટ તથા વિદેશી બનાવટની બે પીસ્ટર સહીત પાંચ ફાયર આર્મસ અને પ્રાણઘાતક શસ્ત્રો પકડાયાહતા, વંડા પોલીસ મથકે જ અન્ય એક ગુનામાં કલમ 384,114 તથા નાણાં ધિરાણ કાયદા અંતર્ગત ગુનો નોંધાયેલો છે, સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે પણ કલમ 384, 120 બી, 504, 506 (2) અને નાણાં ધિરાણ કાયદા અંતર્ગત ગુનો નોંધાયેલો છે. ઉપરાંત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ (જીસીટીઓ) કાયદાની કલમ 3(1)ની પેટા (1) તથા કલમ 3(1)ની પેટા 2, કલમ 3 (2), કલમ 3(3), કલમ 3 (4), કલમ 3 (5) અંતર્ગતના ગુનાઓ નોંધાયા છે જેની તપાસ કર્યા બાદ જ નટુ ખુમાણની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામ ગુનામાં તપાસ દરમિયાન પુરતા પુરાવાઓ મળી આવ્યા હતા જેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી છે.

5- ગુજસીટોકના ખોટા ઉપયોગ થયાના સૂર્યસેના એ જ્યારે આવેદનપત્ર આપ્યા તો તેના આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટિસ આપી ધમકાવ્યા હોવાનો આક્ષેપ છે પરંતુ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક કાયદામાં જણાવેલી જોગવાઈઓ મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ કાયદાનો કોઇ દુરુપયોગ કરવામાં આવ્યો નથી તેમજ સૂર્યસેનાના કોઈ આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટિસો આપી ધમકાવવામાં આવ્યા નથી.


 

 

 

 

 

6- અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલી ૨૫થી વધુ એફઆઈઆર ગુજરાત હાઈ કોર્ટ દ્વારા રદ કરેલી છે. તેનો અર્થ આ ફરિયાદ ખોટી રીતે નોંધવામાં આવેલી હોવાનો કરવામાં આવ્યો છે. ઉપરોક્ત ગુનામાં પબ્લિકના માણસો દ્વારા જ ફરિયાદો કરવામાં આવી હતી અને પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ મુજબ જ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બાદમાં ફરિયાદોને કોર્ટ બહાર આરોપીઓ સાથે સમાધાન કરી લીધેલું હોય તેવા કિસ્સામાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવામાં આવી છે તે સિવાય કોઈ ફરિયાદ રદ થઇ નથી.

7- લુહાર ગામે પોલીસે અવારનવાર ટીયરગેસના સેલ છોડી ધાક ઊભી કરી છે. ગામમાં ભય પેદા કર્યાનો આક્ષેપ છે. આરોપી અશોક જતા બોરીચા જેની સામે ખૂનની કોશિશ બળજબરીથી નાણાં પડાવી લેવા, હથિયાર ધારા સહિતના ૩૨ જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમાંથી ૧૮ ગુનાઓમાં વોન્ટેડ છે. તેને કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરી તેની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મજકુર આરોપી લુહાર ગામમાં છુપાયેલો હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા ઘણીવાર લુહાર ગામે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી નારાજ થઈ અમુક તત્વો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે.

8- લુવારા ગામના સરપંચના પતિ જગુભાઈ ઉપર 307 નો ગુનો નોંધવામાં આવ્યો છે જે સદંતર ખોટું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગુનામાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

9- રાજુલાના એક શિક્ષક આગેવાન અને નાણાની ધીરધાર કરી હશે તો તેની સામે ઘણા ગુનાઓ ઊભા કરીને તેને હેરાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેની સત્ય હકીકત એવી છે કે અમરેલી જિલ્લામાં બાલાની વાવ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ભાભલુભાઈ નાગબાઈ વરુ રહે રાજુલાના એ અપ્રમાણસર રીતે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની જમીનો મિલકતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવારના નામે ખરીદી કરી રાખેલા હતા. તે અંગેની પ્રાથમિક તપાસ બાદ તે ભાભલુભાઈ પાસે રાજ્ય સેવક તરીકેની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં 147.08 ટકા અપ્રમાણસર મિલકત હોવાનું જણાઇ આવતા તેની સામે ભ્રષ્ટાચાર અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તેની વ્યાજખોરીના કારણે હિતેશકુમાર વ્રજલાલ ગોરડીયા નામના એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતાં આ અંગે રાજકોટમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


 

 

 

 

 

10- કોઈ સમાજ ગુનેગાર હોતો નથી જે ગુનો કરે તેની સજા થાય કેમ કાઠી ક્ષત્રિય સમાજ ઈચ્છે છે. તેને બચાવવા કોઈ પ્રયત્ન કરતા નથી પણ આખા સમાજને ગુનેગાર તરીકે જોવાની દ્રષ્ટિને સ્વીકારી શકાય નહીં ગુનાહિત પ્રવૃત્તિને કાયદાથી ડામી શકાય પણ કાયદો હાથમાં લઇ થતી પ્રવૃત્તિ વખોડવા પાત્ર હોવાનું મેસેજમાં જણાવ્યું છે. અમરેલી પોલીસ દ્વારા કાઠી ક્ષત્રિય સમાજને ગુનેગાર તરીકે જોવામાં આવતો નથી પરંતુ ગુનેગારો પ્રત્યે કડક કાર્યવાહી કરવાના કારણે અને ગુનેગારો પ્રત્યે કરેલી કામગીરી અંગે લોકોમાં ગેરસમજ ઊભી કરી સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા આખા સમાજ પ્રત્યે દ્વેષભાવ રખાતો હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે, જે સત્ય નથી ગુનેગાર ગમે તે સમાજનો હોય તેના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ એક સમાન કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત એસપી નિર્લિપ્ત રાયએ કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતના નામે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા તમામ મેસેજ અંગે ગેરસમજ નહીં રાખવા અને અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે.