પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમરેલી): તા 21મી મેની સવારે અમરેલી જિલ્લાની સાવરકુંડલા પોલીસને સવારે કોઈ અજાણ્યા માણસે  ફોન કરી  જાણકારી આપી કે સાવરકુંડલાથી ચાર કિલોમીટર બસ સ્ટેન્ડ પાસે એક બાળકી અર્ધ બેભાન અવસ્થામાં પડી છે, માહિતી મળતા પોલીસ ઈન્સપેકટર આર આર વસાવા ત્યાં પહોંચી ગયા, બાળકીને જોતા ઈન્સપેકટર વસાવા ગંભીરતા પારખી ગયા, બાળકીની સ્થિતિ  ચાડી ખાઈ રહી હતી કે તેની સાથે  કોઈ  નરાધમે હેવાનીયત આચરી  છે,બાળકી કોણ હતી ,તે કયાં રહે છે  તેની કોઈ જાણકારી ન્હોતી,બાળકીને સારવાર  માટે મોકલતા પહેલા ઈન્સપેકટર વસાવાએ તેને ફોટો પાડયો  અને સોશીયલ  મિડીયા  ઉપર વાયરલ કરી તેના વાલીની ભાળ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા.

હોસ્પિટલ બાળકીને લઈ પહોચેલી  બાળકીને  તપાસતા ડૉકટર પણ ચૌંકી  ગયા, ત્રણ વર્ષની બાળકી સાથે આવુ કૃત્ય કરતા પહેલા રાક્ષસ પણ શરમાય તે પ્રકારે તેની સાથે દુશ્કર્મ આચરવામાં આવ્યુ હતું,તેના ગુપ્તાંમાંથી  લોહી વહી રહ્યુ હતુ અત્યંત ગંભીર અને ધૃણાસ્પદ બનાવ હતો પોલીસ  ઈન્સપેકટર વસાવાએ તરત અમરેલીના એસપી નીર્લીપ્ત રાયને જાણ કરી ,તેઓ આ બનાવ સાંભળી ચૌંકી ગયા,તેઓ  તરત સાવરકુંડલા જવા  રવાના થયા,સાથે  તેમણે એએસપી પ્રેમસુખ ડેલુ અને  ક્રાઈમ બ્રાન્ચને પણ આવી જવાની સુચના આપી હતી.

આ દરમિયાન સોશીયલ મિડીયામાં બાળકીનો ફોટો  વાયરલ  થતાં એક ગરીબ દંપત્તી આંખમાં આંસુ સાથે પોલીસ  સ્ટેશન આવ્યુ,અને તેમણે પોલીસને કહ્યુ તમે જે બાળકીનો ફોટો  મોકલ્યો  તે અમારી દિકરીનો છે અમે જનતાબાગ પાછળ નદી કિનારે ઝુંપડુ બાંધી  રહીએ છીએ મારી દિકરી અને ચાર વર્ષનો દિકરો છે, અમે ચારે ગઈ ઝુંપડામાં સુઈ ગયા હતા,સવારે ઉઠી જોયુ તો દિકરી અમારી પાસે  ન્હોતી, એક ગરીબની દિકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન સાવરકુંડલા પહોચેલા એસપી અને એએસપીએ આરોપીને શોધી કાઢવા એલસીબીના ઈન્સપેકટર આર કે કરમટાની ટીમને કામે લગાડી હતી
 
પોલીસ પાસે માહિતી આવી રહી હતી કે, એક મોટરસાયકલ ઉપર આવેલી વ્યકિત બાળકીને લઈ ગઈ હતી આ  અધુરી વિગત  હતી, છતાં તે  દિશામાં તપાસ કરવી જરૂરી હતી, પોલીસ દ્વારા અનેક સીસી ટીવી તપાસાયા પરંતુ બનાવના સમય દરમિયાન  મોટરસાયકલ પર કોઈ બાળકીને લઈ જતું હોય તેવી કોઈ જ ઘટના પોલીસ સામે આવી નહીં. આમ પોલીસ સંખ્યાબંધ સ્થળે દીશા વિહીન બનીને કામ કરી રહી હતી.  અમરેલી એસપી નિર્લિપ્ત રાય માની રહ્યા હતા કે કોઈક એવી કડી મળી શકે તેમ છે જે આરોપી સુધી આપણને લઈ જશે. નિર્લિપ્ત રાય દ્વારા બાળકીના માં-બાપની અનેક વખત પુછપરછ કરી પણ તેઓ કહી રહ્યા હતા કે તેઓ સુઈ ગયા ત્યાર બાદ કોઈ તેમની દીકરીને લઈ ગયું છે. પોલીસ જ્યારે આ દંપત્તિની પુછપરછ કરતી હતી ત્યારે તેમનું ચાર વર્ષનું બાળક આંખમાં અનેક પ્રશ્નો સાથે પોલીસ અધિકારીઓને જોઈ રહ્યું હતું.

નિર્લિપ્ત રાયને લાગ્યું કે સંભવ છે કે આ બાળક કોઈ માહિતી તેમને આપી શકે, તેમણે વ્યૂહરચના બદલી યુનિફોર્મ કાઢી સિવિલ ડ્રેસ પહેરી એએસપી પ્રેમસુખ ડેલુંને પણ સિવિલ ડ્રેસ પહેરવાની સૂચના આપી. દૂષ્કર્મનો ભોગ બનેલી બાળકીથી એક જ વર્ષ મોટો આ સગો ભાઈ હતો. હવે આ ચાર વર્ષનું બાળક પોલીસને કેવી રીતે મદદ થાય તેવી તેને ખબર ન હતી. આ બાળકના મનમાંથી પોલીસનો ડર નીકળે અને મિત્રતા કેળવાય તે જરૂરી હતું. એસપી રાયએ જોયું કે બાળકના પગમાં ચપ્પલ સુદ્ધા ન હતા.

એસપીએ તુરંત પોતાના પોલીસવાળાઓને કહ્યું બાળક માટે તેના માપના નવા ચપ્પલ, બિસ્કીટ, ચોકલેટ અને આઈસ્ક્રીમ લઈ આવો. થોડો સમય તો બાળકને બિસ્કીટ ચોકલેટ, આઈસક્રીમ આપી તે જેમ રમતો હતો તેમ જ રમવા દીધો. રીઢા આરોપીઓ સાથે પનારો પડનાર પોલીસ માટે ચાર વર્ષના નિર્દોષ બાળકની પુછપરછ કરવી ઘણું અઘરૂં કામ હતું. સંભાવના હતી કે આ બાળકે પોતાની બહેનું અપહરણ કરનારને જોયો હોય.

બાળક સાથે મિત્રતા કેળવાઈ જતાં, એસપી નિર્લિપ્ત રાયએ બહુ પ્રેમથી તેની સાથે વાત શરૂ કરી, કે તારી બહેનને જે માણસ ઉપાડી ગયો તેને તે જોયો છે? બાળકે માથું હલાવી હા પાડી. તરત બીજો સવાલ કર્યો કે માણસ કેવો હતો? હવે ચાર વર્ષનું બાળક કોઈ વ્યક્તિનું વર્ણન કેવી રીતે આપી શકે તેવો પ્રશ્ન ઊભો થયો. થોડીવાર વિચાર્યા પછી એસપી રાયએ પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસવાળાઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને બાળક સામે ઊભા રાખી પુછ્યું પેલો માણસ કોના જેવો લાગતો હતો. બાળકે એક ઓછી ઊંચાઈ વાળા પોલીસ કર્મી તરફ ઈશારો કર્યો, એટલે પહેલું અનુમાન એવું આવ્યું કે અપહરણ કરનાર ઓછી ઊંચાઈ વાળો છે. ત્યાર પછી બાળકને એ વ્યક્તિએ પહેરેલા કપડાના રંગ વિશે પુછાયું તો ફરી સવાલ ઊભો થયો કારણ બાળક રંગ વિશે કાંઈ કહી જ શકતો ન હતો. એટલે રાયએ ગુગલમાં કલર ખોલીને બાળકને રંગ બતાડ્યા અને પુછ્યું કે તેનું પેન્ટ અને શર્ટ કયા રંગના હતા બતાવ. બાળકે જે રંગ પર હાથ મુક્યા તે પોલીસે નોંધી દીધા.

જ્યારે બાળકને પુછવામાં આવ્યું કે પેલા માણસે માસ્ક પહેર્યું હતું? બાળકે કહ્યું તેણે ગમછો બાંધ્યો હતો. રાયને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે રાયે બાળકીને લઈ જનાર કેવી મોટર સાયકલ પર આવ્યો હતો તેવું પુછ્યું તો બાળકે કહ્યું મોટરસાયકલ નહીં રિક્ષા હતી. આમ અચાનક આખી તપાસમાં નવો વળાંક આવ્યો. સામાન્ય રીતે રિક્ષા લીલા રંગની હોય છે, પરંતુ બાળકે રિક્ષા કાળા રંગની હોવાનું કહ્યું હતું. ચાર વર્ષનું બાળક ખરેખર કાંઈ જાણે છે અથવા તે કલ્પા કરીને જવાબ આપી રહ્યું છે તે કહેવું મુશ્કેલ હતું. જોકે આ જ આધારે તપાસ કરવી જરૂરી હતી.

નિર્લિપ્ત રાયે સાંવરકુંડલા પોલીસ અને એલસીબીને બાળકે આપેલા વર્ણન આધારે રિક્ષાવાળાને શોધવાની સૂચના આપી. ત્રીસ જેટલી રિક્ષાઓના ડ્રાઈવર અને રિક્ષાઓની તપાસ દરમિયાન સાંવરકુંડલા રેલવે સ્ટેશન પાસે રહેતો રિક્ષા ડ્રાઈવર રાજુ માંગરોળિયા બાળકે આપેલા વર્ણન પ્રમાણે મળતો આવતો હતો. આથી ફોરેન્સીક અધિકારીઓને બોલાવી તેની રિક્ષાનું પરિક્ષણ કરવામાં આવતા અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં રિક્ષામાં લોહી અને વિર્યના ડાઘા મળી આવ્યા હતા. આમ નક્કી થયું કે આરોપી રાજુ માંગરોળિયા જ છે. પોલીસ સ્ટેશને લાવી તેની પુછપરછ કરતાં તે પોલીસનો સામનો લાંબો સમય કરી શક્યો નહીં અને તેણે જ બાળકી સાથે દૂષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. માનસીક રીતે વિકૃત રાજુની પત્ની લાંબો સમયથી તેને છોડી જતી રહી છે. આ અગાઉ પણ તેણે આ રીતે અનેક બાળકોને શિકાર બનાવ્યા હોવાની પણ કબૂલાત કરી છે. આમ એક નાનકડા બાળકની માહિતી પોલીસને આરોપી સુધી લઈ ગઈ જ્યારે આ બાળકીનું રાજુએ અપહરણ કર્યું ત્યારે અકસ્માતે તેનો ભાઈ જાગી ગયો હતો પણ તેને બીક લાગતા તેણે બુમો પણ ના પાડી અને કોઈને આ બનાવની જાણ પણ ન કરી. આમ પોલીસ માટે પણ આ પહેલો અનુભવ હતો કે એક બાળકની પુછપરછ કેવી રીતે કરવી જોઈએ. જોકે બીજી બાજું હાલ ભોગ બનનાર બાળકીની હાલત ગંભીર છે અને તે સારવાર હેઠળ છે.