પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમરેલી): અમરેલી જિલ્લાના સાંવરકુંડલામાં અત્યંત એક ગરીબ બાળકીનું અપહરણ થયું હતું, આ મામલાને ગંભીર ગણી અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે સક્રિયતા દાખવી રિક્ષા ડ્રાઈવર રાજુ માંગરોલિયાને ઝડપી લીધો હતો. જોકે પોલીસ તપાસ અને મેડિલ રિપોર્ટ આધારે માલુમ પડ્યું હતું કે, રાજુ માંગરોલિયાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કેસ બુધવારના રોજ અમરેલીના સ્પેશ્યલ જજ આર આર દવે સામે ચાલી જતાં અદાલતે આરોપીને મૃત્યુ પર્યંત કારાવાસની સજા ફટકારી હતી અને પીડિતાને 15 લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. 

સામાન્ય રીતે પોલીસ માટે પણ ગુનો કોઈ મોટા પરિવાર કે વગદાર વ્યક્તિને ત્યાં થાય તો જ તેને ગંભીરતાથી લેવાય છે પરંતુ અમરેલી જિલ્લાના સાંવરકુંડલામાં ઝુંપડામાં રહેતા એક પરિવારની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા પછી અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે બાળકીને શોધવાનું અભિયાન શરુ કર્યું હતું. અમરેલી પોલીસે બહુ જલ્દી બાળકીને તો શોધી લીધી હતી પરંતુ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું માલુમ પડ્યું હતું. તપાસનો દૌર આગળ વધતા  સાંવરકુંડલામાં રિક્ષા ચલાવતો રાજુ માંગરોલિયાએ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. અમરેલી પોલીસે સીસીટીવી ફૂટેજ, લીગલ એક્સપર્ટનો અભિપ્રાય અને સાંયોગીક પુરાવા રજુ કરી અદાલતમાં તોહમતનામુ ફરમાવ્યું હતું.

બુધવારના રોજ ન્યાયાધીશ આર આર દવેએ તેમની સામે રજુ થયેલા પુરાવા અને સાહેદોના નિવેદનને આધારે આરોપી રાજુ માંગરોલિયાને દોષિત ઠેરવી મૃત્યુ પર્યંત જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો. સાથે પીડિતાને 15 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. અદાલતે નોંધ્યું કે, ભોગ બનનારને 3 લાખ રૂપિયાનું વળતર વચગાળા રૂપે ચુકવવામાં આવશે. બાકીની 12 લાખ રૂપિયાની રકમનું વળતર ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અમરેલીના ચેરમેને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદને સ્કીમ ફોર વીમેન વિક્ટીમના નામે ચુકવવાની રહેશે. આ રકમમાંથી પીડિતા 18 વર્ષની ના થાય ત્યાં સુધી રાષ્ટ્રીયકૃત બેન્કમાં મુકવાની રહેશે. ત્યાં સુધી તેના વ્યાજમાંથી પીડિતાના કપડા-લત્તા અને આહાર તથા દવાનો ખર્ચ પેટે ઉપયોગમાં લેવાના રહેશે.