પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમરેલી): ગુજરાતમાં કોરોનાની તાકાત જે રીતે વધી રહી છે તેને રોકવા વિવિધ મ્યૂનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ગુજરાત પોલીસ પણ કોરોનાની તાકાત ઘટાડવા મહેનત કરી રહી છે. અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર અને અમરેલી પોલીસના સંયુક્ત પ્રયાસને કારણે અમરેલી જિલ્લામાં હમણા સુધી એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ હવે એ દિવસો દુર નથી કે જ્યાં અમરેલી પણ કોરોનાના સંક્રમણથી બચી શકે.

રાજ્ય સરકારે પોતાના વતન જવાની આંતર જિલ્લામાં રહેતા લોકોને મંજુરી આપતા છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારમાંથી અમરેલીમાં 90,000 લોકો પોતાના વતન પાછા ફર્યા છે. જોકે અમરેલી પોલીસ અને વહીવટી તંત્ર ચેકપોસ્ટ્સ બનાવી કોઈ પણ સંક્રમીત વ્યક્તિ અમરેલીમાં દાખલ થઈ જાય નહીં તે માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ જાણકારી મળી છે કે, બહુ મોટી સંખ્યામાં લોકો મેડિકલ ટેસ્ટમાં પાસ થવા માટે ચેકપોસ્ટ આવતા પહેલા પેરાસીટામોલ નામની દવાનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી જેઓ થર્મોમીટર સહિતના કોઈ પણ ટેસ્ટમાં પકડાતા નથી.

અમરેલી તરફ આવી રહેલા મોટા ભાગના લોકો સુરતના રત્નકાર છે, જેઓ પોતાના વતન આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ અને સુરતમાં યોગ્ય પ્રકારે સ્ક્રીનિંગ કર્યા વગર વતન જનાર લોકોને મોકલી દેવામાં આવે છે તેના કારણે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસનું ભારણ વધ્યું છે. અમરેલી જિલ્લામાં પ્રવેશવાના બે માર્ગ પર ચેકપોસ્ટો ઊભી કરી ડિટેન્શન સેન્ટરમાં લોકોને લઈ જવામાં આવે છે. જ્યાં 24 કલાક સુધી તેમને રાખી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટમાંથી તેમને પસાર થવું પડે છે. આમ હજારો લોકોને રાખવાની બે ટાઈમ ભોજન આપવાની વ્યવસ્થા અમરેલીના તંત્રને કરવાની ફરજ પડી છે.

આમ છતાં પોતાના વતન આવવા માટે ઉત્સુક લોકોને ડર રહે છે કે, જો  તેમને તાવ કે શરદી જેવા કોઈ પણ લક્ષણો દેખાશે તો પોતાના વતને તેમને જવા દેવાશે નહીં તેથી તેઓ અમરેલી ચેકપોસ્ટ આવવાના એકાદ કલાક પહેલા પેરાસીટામોલ જેવી દવાઓનું સેવન કરી લેતા હોવાની જાણકારી પણ તંત્રને મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગ્ય સ્ક્રિનિંગ કર્યા વગર ઓરિસ્સા મોકલવામાં આવેલા મજુરો પૈકી 125 મજુરો કોરોના સંક્રમીત હોવાનું ઓરિસ્સાના મેડિકલ ટેસ્ટિંગમાં બહાર આવ્યું હતું. હવે આવી જ સ્થિતિ આગામી દિવસોમાં અમરેલીમાં પામે તો નવાઈ નહીં.