મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ હાલમાં અમરેલીની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અમરેલીના ભાજપ નેતાએ પોતાની જાહેરાત ઓક્સીજન સિલિન્ડર્સ પર કરી છે. પોતાની તસવીર છપાવીને ઓક્સિજન સિલિન્ડર પર લગાવી સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોએ આ તસવીરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી છે. 

અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ જિલ્લા તંત્રની પરવાનગીથી 25 બેડનું કોવીડ સેન્ટર ખોલ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલથી રિફર કરાયેલા દર્દીઓની સારવાર થઈ રહી છે. જોકે લોકોએ તેમની તે કામગીરીની સરાહના કરી છે પરંતુ ભાજપના નેતાનો ફોટો ઓક્સીજન સિલિન્ડર લગાવ્યો છે તે વાતને લઈ લોકો નારાજ થયા છે.

મીડિયાના સૂત્રોનું કહેવું છે કે સોલંકીના સમર્થકોએ પોતાના નેતાની લોકપ્રિયતા વધરાવા માટે ઓક્સીજન સિલિન્ડર પર તેમનો ફોટો છપાવી દીધો છે. ભાજપના નેતાની આ સસ્તી લોકપ્રિયતા પર લોકોની પ્રતિક્રિયાઓ પણ ઝડપી આવવા લાગી છે. લોકોનું કહેવું છે કે નેતાએ કોરોનાના દર્દીઓ માટે કોવીડ સેન્ટર ખોલ્યું તે તેમનું સરાહનીય કાર્ય છે, પરંતુ ઓક્સીજન સિલિન્ડર પર પોતાનો ફોટો ચિપકાવી દેવો અને ખુદનું પ્રમોશન કરવું તે આપદાના સમયમાં અવસર બનાવવું શોભા આપતું નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઠેરઠેર હોસ્પિટલ્સના બેડ ફૂલ થવા લાગ્યા છે. લોકોની ઓક્સીજન, ઈન્જેક્શન, વેન્ટીલેટર વગેરેની જરૂરિયાતમાં વધારો થયો છે અને તેને પહોંચી વળવા માટે વધુ બે હાથ મળી જાય તો તે લોકોની પીડામાં મદદરૂપ થઈ શકે તેમ છે પરંતુ આ મદદમાં પોતાનો પણ ફાયદો થઈ જાય તેવું માનનારા પણ ઘણા છે અને તેના કારણે તેઓ સારા કામ કરવા છત્તાં જાહેરમાં બદનામ થવું પડે છે અને આવું જ કાંઈક હાલ ભાજપના નેતા હીરા સોલંકી સાથે થઈ રહ્યું છે. (Photo from Social Media)