મેરાન્યૂઝ નેટવર્ક.વેરાવળ: ગીર જંગલના સિંહોના તાજેતરમાં થયેલા ટપોટપ મોતની ઘટના બાદ વન વિભાગ દ્વારા સિંહોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રસીકરણમાં નોળિયાના ફોટાવાળી રસી સિંહોને અપાતી હોવાથી કેટલાક સ્વસ્થ સિંહો બિમાર થવાનો આક્ષેપ પર્યાવરણ બચાવ સમિતિએ કર્યો છે. તેમજ સમિતિએ રાજ્ય સરકાર સહિત સંબંધિત વિભાગોને રસીકરણની પ્રક્રિયા અટકાવવા રજૂઆત પણ કરી છે.

આ અંગે રાજય પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રઝાક બ્લોચે જણાવ્યા મુજબ, વિશ્વમાં સિંહો સાથે ક્યારેય ન બની હોય તેવી ઘટના ગીરપૂર્વ જંગલ વિસ્તારમાં બની છે.' વિશ્વમાં તંદુરસ્ત રીતે વિહરતા બિલાડી કુળના (સિંહ, વાઘ, દીપડા, ચિત્તા) સહિતના કોઈપણ પ્રાણીઓનું  ભૂતકાળમાં કયારેય રસીકરણ થયું નથી. તેમ છતાં ગીરના સિંહોનું રસીકરણ શા માટે કરાઇ રહ્યું છે? અને એ પણ ઉચ્ચ અધિકારીઓની લેખિત પરવાનગી વગર! ગીર પૂર્વ જંગલના વિસ્તારમાં શારીરિક' રીતે તંદુરસ્ત ફરી રહેલા સિંહોનું છુપી રીતે રસીકરણ કરાઇ રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંહોના રસીકરણ માટે નિયમ મુજબ 40 દિવસ દરમ્યાન ત્રણ વાર અલગ અલગ સમયે ડોઝ આપવા પડે છે. તેના માટે સિંહોને 40 દિવસ સુધી કેદ રાખવા પડે અથવા તો બેભાન રાખી અલગ પ્રકારના પાંજરામાં જબરદસ્તીથી કેદ કરવા પડે છે. આ બધીજ પ્રક્રિયાઓ સિંહ માટે જોખમી અને પીડાદાયક છે. 40 દિવસ સુધી પુરી રાખવાથી સિંહોને ઇન્ફેક્શન થવાનો, સ્નાયુ જકડાઈ જવાનો કે પેરાલીસીસ તેમજ મૃત્યુ સુધીનું જોખમ રહે છે. 

આ રસી હકીકતમાં નોળીયા કૂળના પ્રાણીઓ માટે વિકસાવાયેલ છે. સિંહોને આપવામાં આવતી રસીની બોટલો પર નોળીઆનો ફોટો દોરેલો છે. અમરેલીના રાજુલા વિસ્તારમાં મુક્ત રીતે વિહરતા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ એવા કેટલાક સિંહોનું ગેરકાયદેસર રીતે રસીકરણ કરવામાં આવતા એ પૈકીના અમુક સિંહોની તબીયત લથડેલી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મુદાઓની ગંભીરતાથી તપાસ કરી રસીકરણ અટકાવવા માંગણી છે.