મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલીઃ અમરેલીના ધારી ખાતે મોણવેલ ગામની સીમમાં બે લાશો મળી છે. બે લાશો સાળા બનેવીની છે જે લાશો દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મળી હતી. આ બંને યુવાનો પોતાનું ગુજરાન ખેતમજૂરી કરીને ચલાવતા હતા. ગામની સીમમાં તેઓ પર એક દીપડાએ હુમલો કરતાં તેમનું મોત થયું હતું.

બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જોકે ગ્રામજનો વનવિભાગ પર અત્યંત ગુસ્સે ભરાયા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તજવીજ હાથ ધરાઈ છે.

કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું અનુમાન છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા. વન વિભાગ ઘટનાસ્થળે ન પહોંચે તે પહેલા મોણવેલ ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દીપડાઓના માનવીઓ પર હુમલાઓને લઇને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બંનેના પરિવારમાં આ મોતને પગલે કલ્પાંત સર્જાયો છે.