મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં રાત્રીની સમય નિર્જન વિસ્તારમાં રહેતા લોકો અથવા ખેતરમાં લોકોને નિશાન બનાવી લૂંટ અને હત્યાને અંજામ આપવાની ઘટનાઓ છેલ્લાં ત્રણ વર્ષથી વધી હતી, પરંતુ આ ગુનો આચરનારી ગેંગ અંગે પોલીસને કોઈ ભાળ મળતી ન્હોતી. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના દરેડ ગામે તા 9મી જુનના રોજ ઘટી હતી. જેમાં વાડીમાં સુઈ રહેલા  ડાહ્યાભાઈ ભરવાડ અને તેમની પત્ની  જાનુબહેન ઉપર અજાણ્યા માણસો લાકડી-પાઈપ અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કરી સોના-ચાંદીના દાગીના સહિત 1.52 લાખની લૂંટ ચલાવી હતી.

લાંબા સમય બાદ ફરી આવી ઘટના ઘટતા ભાવનગરનના રેન્જ આઈજીપી  અશોકકુમારે આ મામલે તરત કાર્યવાહી કરવા અમરેલીના એસપી નિર્લીપ્ત  રાયને આદેશ આપ્યો હતો.

આ ઘટના પછી હરકતમાં આવેલી અમરેલીના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ સ્થળે તપાસ કરી આ કઈ ગેંગ કાર્યરત છે, તેની તપાસ શરૂ કરી હતી. જેમાં 2017થી આ પ્રકારના ગુના અંજામ આપતી દેવીપુજક ગેંગ હોવાની જાણકારી પોલીસને મળી હતી, આ માહિતીને આધારે બોટાદની ઝુપડપટ્ટીમાં રહેતા ચંદુ જાલીયા અને તેની પત્ની ઉજી જાલીયાને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓ પોતાની તાપ સહન કરી શકયા નહીં અને તેમણે દરેડમાં લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ લૂંટનો માલ તેમને ભાવનગરના સિહોરના સોનીને  ત્યાં વહેંચયો હોવાની કબુલાત પણ કરી હતી.

2017થી દેવીપુજક ગેંગ કામ કરી રહી હતી. જેનો લીડર ચંદુ હતો. ચંદુ અને તેની પત્ની ઉજી દિવસે જેમને નિશાન બનાવવાના છે તેમની રેકી કરી તેમણે પહેરેલા દાગીના અને તેમની સંપન્નતાથી તપાસ કરતા હતા, ત્યાર બાદ તેઓ પોતાની ગેંગના સભ્ય વિશુ, ફલજી, હરેશ, કાળુ કિશન મુકેશ અને ભયલુ સાથે નિકળતા હતા. ચંદુ  ગેંગ સાથે નિકળે ત્યારે ઉજી પણ ગેંગમાં જોડાઈ જતી જો કે રાત્રે તે પુરૂષના કપડા પહેરી લેતી જેથી કોઈને ખબર પડે નહીં કે ગેંગમાં મહિલા પણ છે. આ ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં કુલ 15 હત્યા, છ લૂંટ અને પાંચ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચંદુની કબુલાત બાદ અમરેલી પોલીસ બાકીના તમામ આરોપીઓને પણ ઝડપી લીધા હતા.

દેવીપુજક ગેંગના નવ આરોપીઓને ઝડપી પાડનાર અમરેલી પોલીસને રૂપિયા ત્રીસ હજારનું રોકડ ઈનામ આપવાની જાહેરાંત આઈજીપી અશોકકુમારે કરી છે.

દેવીપુજક ગેંગના સભ્યો જરા પણ ભણેલા નથી પરંતુ ગુનાની દુનિયામાં તેઓ માસ્ટર છે. જેના કારણે પોલીસ ગુનેગારો પાસે કઈ રીતે પહોંચે છે તેની જાણકારી તેમની પાસે હતી. આરોપીને પકડવા માટે પોલીસ સૌથી પહેલા તેના મોબાઈલ ફોનને ટ્રેસ કરે છે, આ તમામ દેવીપુજકો ગુનાના સ્થળે  જતા પહેલા પોતાના ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા, આ ગેંગ દ્વારા જ્યાં પણ કામને અંજામ આપ્યો ત્યાં પહોંચેલી પોલીસે સૌથી પહેલા આસપાસના મોબાઈલ ટાવર ચેક કર્યા પણ આરોપી ફોન વાપરતા ન્હોતા જેના કારણે તેઓ ક્યાંય ટ્રેસ થયા નહીં.

આ સ્થિતિને કારણે પોલીસનું કામ મુશ્કેલ બન્યુ અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે બનાવ સ્થળથી દુર એટલે ચાલીસ-પાચાસ કિલોમીટર દુર અને ખાસ કરી જ્યાંથી બીજા જિલ્લામાં જઈ શકાય તેવા રસ્તા ઉપર આવેલા ટાવર ચેક કરાવ્યા તો તેમાં એક સામટા બધા ફોન ઓન થયા હોવાની જાણકારી મળી  આમ  ચંદુનો ફોન પચાસ કિલોમીટર પછી ચાલુ થયો હતો, જો કે સરળ લાગતી આ કામગીરી મુશ્કેલ હતી પણ અમરેલી પોલીસે તેમાં મહેનત કરી સફળતા મેળવી.

નવની દેવીપુજકની ગેંગમાં એક મહિલા પણ હતી, જો કે તે પણ ત્યારે પુરૂષના કપડાં પહેરતી હતી. નિશાન નક્કી થયા પછી રાતના અંધારામાં નિકળતી ગેંગ પોતાની પાસે કોઈ હથિયાર રાખતી નહીં, કદાચ પોલીસનો ભેટો થઈ જાય તો પોલીસને શંકા જાય નહીં પણ જ્યાં કામ પાર પાડવાનું છે ત્યાં આસપાસ લાકડી અથવા ધોકા જેવું જે કઈ મળે તેનો જ હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. તેઓ કામને અંજામ આપ્યા બાદ ત્યાં હાજર પુરૂષ ઉપર તુટી પડતા હતા અને તે મરી જાય એટલી હદે મારતા હતા જેથી કોઈ તેમનો સામનો કરી શકે નહીં.