મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અમરેલી જીલ્લાના જાફરાબાદ બંદર નજીકના શિયાળ બેટ પાસે આવેલ સવાઈ બેટના  કિનારે લાંગરેલી બોટમાં એકાએક આગ લગતા બોટ ભસ્મીભૂત થઇ ઉઠી હતી. જાફરાબાદ બંદર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૫૦ જેટલા મુસ્લિમ બિરાદરો દરગાહના દર્શને આવ્યા હતા. જો કે ઘટના સમયે બોટમાં કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

આ ઘટના અંગે રાજ્યના સરક્ષણ વિભાગ દ્વારા વિધિવત પ્રેસ રીલીઝ કરવામાં આવી છે. જેમાં દર્સવાયા અનુસાર, ગઈ કાલે પીપાવાવ પોર્ટ કંટ્રોલની મદદ માંગતો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે શિયાળબેટમાં એક ફિશિંગ બોટમાં આગ લાગી છે, અને જેને લઈને ઈમરજન્સી રેસ્ક્યુ માટે મદદ માંગી હતી. આ મેસેજને નજીકના કોસ્ટગાર્ડ સ્ટેસનને જાણ કરવામાં આવી હતી. જાફરાબાદના ગરીબ નવાઝ નામના માછીમારી સાથે સંકળાયેલા વહાણમાં લાગેલી આગને લઈને પોર્ટ કન્ટ્રોલ અને કોસ્ટગાર્ડની ટીમ બે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોચી હતી. સવાઈબેટ ના કિનારે લાંગરવામાં આવેલી બોટ આગની જવાળાઓમાં લપેટાયેલ અને આગની જવાળાઓ ઓકતું નજરે પડ્યું હતું, ફાયરની ટીમે બે ટેન્ડર વડે પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જો કે આગ લાગવા પાછળનું સતાવાર કારણ સામે આવ્યું નથી. 

જાફરાબાદ અને આજુબાજુના મુસ્લિમ બિરાદરોનો ૧૫૦ ભાવિકો આ બોટમાં બેસી સવાઈબેટ કિનારે આવેલ દરગાહના દર્શને આવ્યા હતા. બધા બિરાદરો બોટ માંથી ઉતરી ગયા બાદ બોટને કિનારે લાંગરવામાં આવી હતી. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ખાલી બોટમાં આગ લાગી હતી. કોઈ જવલંતશીલ પ્રવાહીના કારણે આગ લાગ્યાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યો છે. ૧૫૦ ભાવિકો ભરેલી બોટમાં મુસાફરી દરમિયાન આગ લાગી હોત તો કદાચ મોટી દુર્ઘટના ઘટવા પામી હોત, પરંતુ સદનસીબે તમામ ભાવિકો દરગાહ પર હોવાથી આબાદ બચાવ થયો હતો.