મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી : ધારીના હુડલી ગામે 9 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકી વાડી વિસ્તારમાં રાત્રે પોતાના પરિવાર સાથે સૂતી હતી. ત્યારે જ દીપડો આવી ચડ્યો હતો અને હુમલો કરી દીધો હતો. દરમિયાન પાસે સૂતેલા માતા-પિતાને બાળકીનો રડવાનો અવાજ સાંભળાતા જાગી ગયા હતા અને બૂમો પાડતા દીપડો બાળકીને છોડીને જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો હતો.

ઘટના બાદ આજુબાજુની વાડીમાંથી પણ ખેત મજૂરો એકત્ર થઈ ગયા હતા. બાદમાં વાડી માલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે ચલાલા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. દીપડાના હુમલાથી ગામમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બાદમાં વન વિભાગને જાણ થતા જ ટીમ દોડી આવી હતી અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. ગામલોકોએ વન વિભાગ દ્વારા દીપડાને પાંજેરે પુરી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તેવી માંગ કરી છે.