મેરાન્યૂઝ નેટવર્ક.પ.બંગાળઃ લોકસભાની ચૂંટણીના મતદાનના અંતમ ચરણમાં છે ત્યારે વિવિધ સ્થળો પર થયેલી હિંસાએ આ ચૂંટણીને હિંસક બનાવી દીધી છે. મંગળવારે કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં એવો ઉહાપહ થયો કે રોડ શોને પડતો મુકવો પડ્યો હતો. દરમિયાન હિંસા અને આગચંપીના બનાવો પણ બન્યા છે. આ બનાવોને લઈને એક બાજુ નરેન્દ્ર મોદી પણ આકરા થયા અને તેમણે આ અંગે લોકશાહીની વાત મુકી હતી. બુધવારે અમિત શાહે પણ આ બાબત પર પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં કરી હતી. તેમણે આ દરમિયાન મમતા બેનર્જી અને તેમના સમર્થકો પર આકરા શબ્દબાણ ચલાવ્યા હતા.

અમિત શાહે કહ્યું કે, હું અહીં આપ સમક્ષ બંગાળમાં જે ઘટનાઓ થઈ તેની હકીકત જણાવવા આવ્યો છું. આખા દેશમાં ક્યાંય હિંસા બની નહીં પણ બંગાળમાં જ થાય છે. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે, પણ હિંસા માત્ર બંગાળમાં જ થઈ રહી છે. તૃણમુલ કોંગ્રેસના લોકોએ જ વિદ્યાસાગરની મૂર્તિ તી છે અમે તો બહાર હતા.

તેમણે ઉમેર્યું કે, મમતા બેનર્જીએ બે દિવસ પહેલા જ બદલો લેવાની ધમકી આપી હતી, મમતા બેનર્જી જો વિચારે છે કે હિંસાનું કિચડ ફેલાવીને જીતી શકે છે, તો તમે મારાથી ઉંમરમાં મોટા છો છતાં અનુભવ મને વધુ છે. હિંસાનો કિચડ ફેલાવશો એટલું વધુ કમળ ખિલશે.

શાહે વધુમાં કહ્યું કે, કાલે જો સીઆરપીએફની સુરક્ષા ન હોત તો જીવ બચાવી બહાર આવવું જ મુશ્કેલ હતું. મમતા બેનર્જીએ જાહેરમાં ધમકી આપી છે, પરંતુ ચૂંટણી પંચ કોઈ પગલા લેતું નથી. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર નથી, 23 તારીખે બધુ સ્પષ્ટ થઈ જશે.

અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને તોડી છે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, કાલે બીજેપીના રોડ શો પહેલા જ બીજેપીના પોસ્ટર-બેનર હટાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, વડાપ્રધાન અને મારા પોસ્ટર ફાડવામાં આવ્યા. રોડ શો દરમિયાન ત્રણ હુમલો થયા, આગચંપી, પથ્થરમારો અને હોટલમાં કેરોસીન નાખીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
બીજેપી અધ્યક્ષે વધુમાં કહ્યું કે, હું ચૂંટણી પંચને કહેવા માંગું છું કે જ્યાં સુધી હિંસા થઈ રહી છે તેની પર પંચ મૂક પ્રેક્ષક બની ગયું છે. બંગાળમાં એક પણ હિસ્ટ્રીશીટરની ધરપકડ નથી થઈ. ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી, કેટલાક શખ્સો દ્વારા અમિત શાહ જે વાહનમાં બેસી રોડ શો કરી રહ્યાં હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.