પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): એક તરફ નરેન્દ્ર મોદી બેરોજગરોને કામ  આપવાની વાત કરે છે, બીજી તરફ તંત્ર કોઈ પણ સરકારી મદદ વગર રસ્તા ઉપર મહેનત કરી રોજગારી રળતા ગરીબોની રોજગારી છીનવી રહ્યું છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, તેમના આગમન પૂર્વે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ધંધો કરતા ગરીબોનો ધંધો ચોપટ કરી  નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ રથયાત્રા દરમિયાનની મંગળા આરતીમાં હાજર રહેવાનું બને ત્યાં સુધી ચુકતા નથી.

અમદાવાદના જે  વિસ્તારમાંથી અમિત શાહ પસાર થવાના છે તે તમામ વિસ્તારમાં રસ્તા ઉપર ધંધો કરતા  લારી ગલ્લા ચાર  દિવસ માટે બંધ કરાવી દીધા છે, આમ ધંધા તો બંધ કરાવી દીધા બાદ કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા બંધ લારી ગલ્લા પણ ઉપાડી લેવાની શરૂઆત કરી હતી. જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળે તે માટે આશ્રમ રોડ ઉપર શરૂ કરાવેલી પાણીની પરબ પણ દબાણખાતા વાળા ઉપાડી ગયા હતા.

એક તરફ  શહેરના રસ્તાઓ ઉપર ધંધો કરતા લોકોને કોર્પોરેશન વેન્ડર લાઇસન્સ આપે છે, બીજી તરફ જે વેન્ડર પાસે લાઇસન્સ છે તેવા લારી ગલ્લાવાળાને પણ નેતાઓ આવે ત્યારે ધંધો બંધ કરાવી  દેવામાં આવે છે અને જ્યારે લારી ગલ્લા ઉપાડી જાય ત્યારે નુકશાન પણ ખૂબ થાય છે. આ તસવીર અમિત શાહ સહિત તે નેતાઓ અને અધિકારીઓને સમર્પિત છે. કદાચ આ તસવીર તેમનો વ્યવહાર અને નીતિ બદલી શકે તો સારું… કારણ ધંધા તો ચાર દિવસ બંધ થઈ જાય છે પણ આ પેટ ચાર દિવસ ભુખ્યું રહી શકતું નથી, આ દિવસોમાં ભુખ ન લાગે તેવું પણ કાંઈક કરો તો સારું...