મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સંસદીય ક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ દ્વારા કુલ 15.01 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને 119.6 કરોડના કામોનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે વૈશ્વિકસ્તરે વિશ્વના અનેક દેશોમાં વિકાસની ગાડી ધીમી પડી છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયો અને સાતત્યપૂર્ણ પગલાઓનાપરિણામે ગાંધીનગર, ગુજરાત અને સમગ્ર દેશ વિકાસ પથ પર સતત આગળ વધતો રહેશે.

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 10 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર શહેર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે રૂ ૧૫.૦૧ કરોડના કામોનું ઈ- લોકાર્પણ અને ૧૧૯.૬ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- ૭/એના બગીચામાં અને રૂપાલ ગામ ખાતે સવારના ૧૧.૦૦ કલાકે યોજાયા હતા. 


 

 

 

 

શાહે આ પ્રસંગે તેઓના વીડિયો કોન્ફરન્સ સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અન્ય જિલ્લામાં પણ આ અનેક પ્રજાલક્ષી કાર્યો માટે ઉભી કરેલી વ્યવસ્થા અને તંત્ર દ્વારા ઉઠાવેલી જહેમત માટે ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અભિનંદનને પાત્ર છે.

શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રને સમગ્ર દેશમાં આદર્શ લોકસભા ક્ષેત્ર બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોએ મને જે પ્રચંડ બહુમતીથી જીતાડીને સંસદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે તે માટે હું મતદારોનો આભારી છું. તેઓએ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર લોકસભા ક્ષેત્રના નાગરિકોના સહકાર અને ભાગીદારીથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને આગવું સ્થાન આપવામાં આપણે સફળ થઇ શકીશું.

શાહે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ અગાઉ ક્યારે ન જોઈ હોય તેવી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે વિશ્વના અનેક દેશોમાં વિકાસની ગાડી થોડી ધીમી પડી છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે પણ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયો અને સાતત્યપૂર્ણ કદમોના પરિણામે ગાંધીનગર,ગુજરાત અને સમગ્ર દેશ વિકાસ પથ પર સતત આગળ વધતો રહેશે.

શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણો દેશ આ મહામારીમાંથી સફળતાપુર્વક બહાર આવીને વિકાસ પ્રક્રિયામાં પુન: અગ્રેસર બનશે. તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર અને કલોલમાં અંદાજીત કુલ રૂ. 15.01 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને 119.63 કરોડના ઈ-ખાતમૂહૂર્તના કારણે નાગરિકોના સુખ સુવિધાઓમાં વધારો થશે. સ્માર્ટ સીટી યોજના અન્વયે મહાનગરપાલિકા વિસ્તારમાં 538 લાખના ખર્ચે ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેક્ટ, નાગરિકોને સુવિધા પૂરી પાડવા 519 લાખના ખર્ચે પ્રોપર્ટી ટેક્ષ સર્વે એન્ડ બેઝમેન્ટ ક્રિએશન અપડેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન જી.આઇ.સી. ના કારણે નાગરિકોના કચેરીના ધક્કા ઓછા થશે અને પારદર્શક તથા લોકભિમુખ વહીવટમાં મદદરુપ થશે.


 

 

 

 

શાહે સ્વાસ્થ્યની કાળજી લેવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે નાગરિકોની તંદુરસ્તી અને સુખાકારીને પ્રાધાન્ય આપવું એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત બની છે. જે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૩૫ લાખના ખર્ચે સેકટર –૨, ૭/એ અને ૯ ના તથા અન્ય સેક્ટરોના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓ આ ઉદેશ્યમાં ઉપયોગી બનશે. તેમજ સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની સુવિધાઓના લીધે નાગરિકોના આવાગમનમાં સરળતા થશે. અને આદરજ મોટી ખાતે રૂપિયા ૯૦ લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં ૧૧ વર્ગખંડ બનાવવામાં આવનાર છે. તેમજ મોટી ભોયણ ગામે શાળા નંબર – ૧ માં રૂપિયા ૩૩ લાખ જેટલા ખર્ચે નવા ૪ વર્ગ ખંડનું કામ થનાર છે. જેના પરિણામે શિક્ષણની સુવિધાઓ વધવાથી શિક્ષણનો વ્યાપ વધશે અને કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી,સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને  પીંડારડા  ગામમાં લોકસુખાકારી અને વિકાસના ૨૩ કામો રૂપિયા ૫૦ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ,  સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દિવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામો કરવામાં આવનાર છે. સાર્વત્રિક રીતે વિકાસના નવા આયામોનો પ્રત્યક્ષ લાભ પ્રજાજનોને મળશે સાથે-સાથે લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિશ્વમાં કદી ન જોયું હોય તેવા કોરોના સંકટનો સામનો સમગ્ર માનવજાત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે ઉદાહરણરૂપ કહી શકાય તેવી સુનિયોજીત લડાઇ લડ્યા છીએ. ગુજરાતમાં વિદેશથી આવનારા લોકો વધુ હતા પણ રાજ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં અવિરત અને મક્કમતાપૂર્વક કોરોના સામે લડાઇ લડી છે અને  સ્થિતિમાં સુધારો કર્યો છે. રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર નીચો આવ્યો છે અને સાજા થયેલ લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પણ લડાઇ હજુ સમાપ્ત નથી થઇ. કોરોના સામે. જનજાગૃતિ જે એક માત્ર રસ્તો છે, જ્યાં સુધી વૈજ્ઞાનિકો તેની રસી અને દવા ન શોધે ત્યાં સુધી આપણે આ સંકટ સામે લડવાનું છે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે સફળતાપૂર્વક લડાઇ લડી છે.


 

 

 

 

ગાંધીનગર વિસ્તારના લોકોને હું અપીલ કરું છું કે, “આપણે વધુમાં વધુ જાગૃત રહીએ, ઓછામાં ઓછું બહાર નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, જેટલું થાય તેટલું ઇ-લોકાર્પણ કરીએ. આપણે વહીવટી પ્રક્રિયાને ધીમી ન થવા દઇએ. વિકાસ પણ ચાલે, વહીવટી કામો પણ ચાલે અને કોરાનાથી બચવાનો સફળ રસ્તો પણ અખત્યાર થાય એ રીતે કામ આગળ ધપાવીએ.”

શાહે આ તબક્કે ભાજપાના સૌ કાર્યકર્તાઓને હૃદય પૂર્વકના અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોરોના મહામારીના કપરાકાળમાં અને  લોકડાઉન દરમિયાન તમામ કાર્યકર્તાઓ ખભે- ખભો મિલાવીને નીડર બનીને સેવાકાર્યો કર્યા છે અને નાગરિકોને સહાયભૂત થવામાં અગ્રેસર રહ્યા છે ભાજપાએ મૂલ્યોને વરેલી પાર્ટી છે. સત્તા ને સેવાનું માધ્યમ ગણીને “સેવા હી સંગઠન”ના ધ્યેયમંત્ર સાથે કાર્યકર્તાઓએ સમગ્ર લોકસભા ક્ષેત્રમાં તથા જિલ્લામાં માસ્ક, સેનીટાઇઝર અને રાશન કીટનું વિતરણ કરીને નાગરિકોના સુખ-દુઃખમાં સહભાગી બન્યા છે. આ માટે તમામ કાર્યકર્તાઓ લાખલાખ ધન્યવાદને પાત્ર છે. ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાએ સૈનિક બનીને માનવતાની સુવાસ જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. 

શાહે કહ્યું હતું કે કોરોના મહામારી ના સંક્રમણ વચ્ચે જિલ્લામાં ૭૫ હજાર જેટલા પરિવારોને રાશન કીટ, ૧,૫૦,૦૦૦ જેટલા લોકોને ભોજન સહાય અને ૧૧,૦૦૦ જેટલા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મદદ કાર્યકર્તાઓં એ પહોંચાડી છે. ભાજપા માટે તેમના દેવદુર્લભ કાર્યકર્તાઓ જ સાચી મૂડી છે. સાથે -સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૧,૬૫,૪૫૧ પરિવારોને ચોખા, દાળ,ચણાનું વિતરણ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. છેલ્લા અનેક મહિનાઓ દરમિયાન કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓમાં સાથ આપીને રાહતસામગ્રી અને વૈદકીય સહાય પુરી પાડવામાં આવી છે.

રૂપાલ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નયા ભારત, આધુનિક અને આત્મનિર્ભર ભારત, સમૃધ્ધ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહી અવરિત વિકાસ કૂચ પર આગળ વધી રહ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં પ્રજાકલ્યાણના કામો અને સર્વાંગી વિકાસને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ હરહમેંશ અગ્રિમતા આપી છે.