મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત બંધ સાથે અને ઝડપ પકડી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આજે મંગળવારે ખેડૂત નેતાઓને બેઠક કરવા માટે બોલાવ્યા છે. આ ખુબ મહત્વની માહિતી છે કારણ કે તેમણે અચાનકથી મિટિંગ બોલાવી છે, તે પણ ત્યારે જ્યારે સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બર એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે ફરી મુલાકાત કરવાની છે. મંગળવારે સવારે અમિત શાહ તરફથી મોકલાયેલો પ્રસ્તાવ ભારત બંધ વચ્ચે આવ્યો છે, ત્યારે ખેડૂતોએ બંધને લઈ ટ્રાફીક, દુકાનો સહિત ઘણી સેવાઓ ઠપ કરી દીધા હતા.

માહિતી મળી રહી છે કે ખેડૂત નેતા આજે સાંજે 7 વાગ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. માનવામાં આવે છે કે આ એક અનૌપચારિક બેઠક હશે. સવારે અમિત શાહ તરફ ખેડૂતોને દરખાસ્ત મોકલી હતી. આ અંતર્ગત કુલ 13 સભ્યો ગૃહ પ્રધાનને મળશે.

અમિત શાહે સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠકમાં રાકેશ ટીકાઈટને પણ બોલાવવામાં આવ્યા છે. રાકેશ ટીકૈતે કહ્યું કે 'મને ફોન આવ્યો, ગૃહ પ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી છે. અમે જઈશું અને અન્ય નેતાઓ મિટિંગમાં જશે. તેઓએ 7 વાગ્યે બોલાવ્યા છે.