મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સ્વાસ્થ્ય અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ ફરી એક વખત આ મામલે નિવેદન આપ્યું છે. બે.કે. હરિપ્રસાદનો દાવો છે કે અમિત શાહને સ્વાઇન ફ્લૂ નહીં પણ બીજી કોઈ બિમારી થઇ છે.

કર્ણાટકના કોંગ્રેસસના નેતા બી.કે. હરિપ્રસાદે મીડિયા સમક્ષ કહ્યું કે “અમને પણ એઇમ્સમાં લોકો ઓળખે છે. અમિત શાહને ફ્લૂના કારણે દાખલ નથી કરવામાં આવ્યા. મને તથ્ય મળવા દો. ત્યાર બાદ હું તમારી સાથે વાત કરીશ” પત્રકારોએ જ્યારે બી.કે. હરિપ્રસાદને પૂછ્યું કે તો પછી અમિત શાહને શું થયું છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે મને પણ એટલુ જ જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદે પહેલા નિવેદન આપ્યું હતું કે અમિત શાહને ભુંડને થતો ફ્લૂ થયો છે. જ્યાર બાદ કોંગ્રેસ તરફથી તેમને આ મામલે માફી માગવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે માફી માગી ન હતી અને મીડિયા સમક્ષ કહ્યું કે “મેં જે નિવેદન આપ્યું હતું તે યોગ્ય હતું, હું તમારી સાથે પછી વાત કરીશ.”