મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ રાજકીય સ્વાર્થ હોય ત્યારે ભાજપના નેતાઓ કોઈ પણ વચન આપી દેતા હોય છે, અને જ્યારે સ્વાર્થ પુરો થાય ત્યારે પીઠ બતાડી દેવી તે તેમનો સ્વભાવ છે, આવુ જ રાજપુત સમાજ સાથે પણ થયુ છે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીને રાજકિય રીતે ખટકી રહેલા કારડિયા રાજપુત સમાજના સેવાભાવી નેતા દાનસંગ મોરી  અને રાજપુત સમાજના યુવાનો ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા હતા, આ મામલે રાજપુત સમાજ  હજારોની સંખ્યામાં રસ્તા ઉપર આવી જતા 20 નવેમ્બર 2017ના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા અને તેમણે દાનસંગ મોરી અને કાનભા રજોડા સહિત કારડિયા સમાજના અગ્રણીય નેતાઓ સાથે બેઠક કરી તમામ પોલીસ કેસ પરત ખેંચી લેવાની ખાતરી આપી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીના સ્વાર્થને ધ્યાનમાં લઈ કરેલા સમાધાનમાંથી હવે ભાજપના નેતાઓ ફરી ગયા છે.

2017 વિધાનસભાની ચૂંટણી સામે હતી ત્યારે રાજપુત સમાજે દાનસંગ મોરી અને રાજપુત યુવાનો સામે કરેલા ખોટા પોલીસને લઈ આંદોલન શરૂ થયુ હતું, સતત અભિમાનમાં રાચતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજપુત સમાજની તાકાતની અવગણના કરી હતી, પરંતુ ક્રમશ આંદોલન ઉગ્ર થતાં ભાજપમાં રહેલા રાજપુત સમાજે વાઘાણી ઉપર દબાણ વધારી સમાધાન કરી લેવા સમજાવ્યા હતા, પરંતુ વાઘાણી માન્યા ન્હોતા, રાજપુત નારાજ થાય તો રાજ્યની ત્રીસ કરતા વધુ બેઠકો ઉપર અસર પડશે તેવી ખ્યાલ અમિત શાહને આવી ગયો હતો, જેના કારણે તેઓ પોતે મામલો થાળે પાડવા અમદાવાદ દોડી આવ્યા હતા, અમિત શાહે રાજપુત સમાજના નેતાઓ સાથે વાત કરી તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું, અમિત શાહ ઉપર ભરોસો કરી રાજપુતોએ આંદોલન બંધ કર્યુ હતું.

ત્યાર વિધાનસભાની ચૂંટણી પુરી થઈ અને ભાજપની સરકાર રચાઈ, બીજી તરફ અમિત શાહે અને વાઘાણીએ આપેલા વચન પ્રમાણે કેસ પરત ખેંચાય તે માટે રાજપુત આગેવાનો ગાંધીનગરના ધક્કા ખાવા લાગ્યા, અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને અનેક વખત મળ્યા હતા, જાડેજા પ્રત્યેક વખત કેસ પાછા ખેંચાશે તેવી ખાતરી આપતા રહ્યા પણ તે દિશામા્ં કઈ થયુ નહીં, રાજપુત આગેવાનો અમિત શાહ અને જીતુ વાઘાણીને પણ મળ્યા અને તેમના વચન તેમને યાદ કરાવ્યા હતા, જો કે સ્વાર્થ પુરો થઈ ગયા પછી શાહ અને વાઘાણી રાજપુત સમાજ સાથે તું કોણ અને હું કોણ જેવો વ્યવહાર શરૂ કર્યો હતો. એક વર્ષ થવા છતાં કોઈ પરિણામ નહીં આવતા રાજપુત સમાજને ખ્યાલ આવ્યો કે ભાજપે દગો કર્યો છે.

રવિવારની સાંજે આ સંદર્ભમાં ભાવનગરના બુધેલ ગામ ખાતે 400 કરતા વધુ રાજપુત આગેવાનો મળ્યા હતા અને તેમણે અમિત શાહ અને જીતુ વાઘાણની આકરી ટીકા કરી હવે લડી જ લેવુ પડશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો, હવે આ મામલે ફરી આંદોલન શરૂ થવાના એંધાણ છે, જો કે લોકસભાની ચૂંટણી આવી રહી હોવાને કારણે ભાજપને રાજપુતોને નારાજ કરવા પાલવે તેમ નથી, જેના કારણે કોઈ નવી ફોર્મ્યુલા સાથે અમિત શાહ રાજપુતોને મનાવવાનો પ્રયત્ન કરશે, જો કે તેમણે આપેલુ વચન પાળશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે.