મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ સોશ્યલ મીડિયા પર ટીવીથી લેવાયેલા સ્ક્રીનશોટના ફોટોઝ હોવાનું બતાવીને કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં આજતકનો લોગો છે અને ન્યૂઝ ચાલી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાની ઝપેટમાં, ગત અઠવાડિયે જ ઈટાલી ફરવા ગયા હતા, પાછા આવ્યા પછી તપાસ કરાવી ન હતી જેના કારણે સંક્રમણ વધુ ફેલાઈ ગયું હતું.

આવી જ એક પોસ્ટ સચ સબસે તેજ નામના ન્યૂઝ ચેનલના બનાવેલા લોગો સાથે પણ વાયરલ થઈ છે. જેમાં પણ અમિત શાહને કોરોના થયો હોવાનું લખાયું છે. આ તસવીરો પાછળ સત્ય શું છે તે જાણવા ના પ્રયત્નો કર્યા તો જાણકારી મળી કે આ સ્ક્રીનશોટનું તો આજતક સાથે કોઈ લેવા દેવા જ નથી. આ પોસ્ટ તો એડિટિંગ કરાયેલા ફોટો બનાવીને કરવામાં આવી છે. આજતકે આવા કોઈ જ અહેવાલો ટેલિકાસ્ટ કર્યા જ નથી. આ ઉપરાંત આજતકની સ્ક્રિન પણ વાયરસ પોસ્ટમાં જેવી દેખાઈ રહી છે તેવી છે જ નહીં. અહીં બે તસવીરો અપાઈ છે જેમાં આજતકની વાયરલ તસવીર અને આજતકની ઓરિજીનલ સ્ક્રીન બંને બતાવાઈ છે જેનો ફરક આપ જાતે જ સમજી શકો છો. બીજું કે આ ઉપરાંત પણ અન્ય કોઈ મીડિયા રિપોર્ટમાં પણ અમિત શાહને કોરોના પોઝિટિવ હોય તેવા કોઈ અહેવાલો સામે આવ્યા નથી. અમિત શાહ દેશના ગૃહમંત્રી છે જો તે કોરોના વાયરસથી પીડિત થાય તો આ અહેવાલ દરેક મીડિયામાં વારંવાર અને બિગ બ્રેકીંગની પ્લેટ સાથે ચલાવવામાં આવે, પણ આવું કાંઈ થયું જ નથી. અને અમિત શાહ પણ છેલ્લા અઠવાડિયામાં ઈટાલી ગયા હોવાની વાત પણ સાવ ખોટી છે.

જ્યારે એક તરફ ઈટાલીમાં આવી હાલત હોય અને અમિત શાહ ત્યાં ફરવા જાય તે વાતમાં જ માલ નથી. તેથી આ પ્રકારના મેસેજિસ ખોટા છે તેથી તેને હવા આપવામાં આપ પણ સાથ આપશો નહીં. અને ખોટી માહિતી પર ભરોસો કરશો નહીં.