ચતરા: મહારાષ્ટ્ર ચૂંટણીમાં બાદ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થાય તે પહેલા જ ભાજપનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ દેશભરમાં ભાજપની ‘ચાણાક્ય નીતિ’ પર ચર્ચાઓ જાગી છે ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીઓમાં જીત મેળવવા માટે કામી લાગી ગયા છે. શુક્રવારે અમિત શાહે પોતાની ચૂંટણી સભામાં ઓછી ભીડ જોઇને ભાજપના કાર્યકરોને મંચ પરથી ટકોર કરી હતી કે, હું વાણિયો છું, બેવકૂફ ના બનાવો, બધુ ગણિત જાણું છું.

જનતાનો મુડ જોઇને પરિણામો પારખી જનારા અમિત શાહ ઝારખંડના ચતરામાં ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતાં જ્યાં ઓછી ભીડ અંગે નારાજગી દર્શાવતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, અહીં ભીડ ઓછી છે. આટલી ઓછી ભીડથી ચૂંટણી કેવી રીતે જીતીશું? તમે મને બેવકૂફ ના બનાવો, હું વાણિયો છું. ગણિત મને પણ આવડે છે. અહીંથી ઘરે જઈને પચ્ચીસ-પચ્ચીસ લોકોને ફોન કરો અને તેમને ભાજપને મત આપવાનું કહો. મોબાઈલ હાથમાં ઉઠાવો. ચતરામાં અમિત શાહની ચૂંટણી સભામાં લગભગ પંદર હજાર લોકો હાજર હતા.