મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ ગોંડલ નેશનલ હાઇવે આશાપુરા ચોકડી પાસે કોડીનાર અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીને મોબાઈલ ફોન પર ધ્રાંગધ્રાના શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હોય ગોંડલ સિટી પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારના ચકચારી અમિત જેઠવા હત્યા કેસમાં તાજેતરમાં જ ચુકાદો આવવા પામ્યો હતો. આ કેસના સાક્ષી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ રામભાઈ હરજીભાઈ સોલંકી (ઉંમર વર્ષ 36) રહે દામલી તાલુકો કોડીનાર વાળાઓ ગત તારીખ 11ના અમદાવાદ હાઈકોર્ટથી કોડીનાર તરફ આવી રહ્યા હતા અને ગોંડલ આશાપુરા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે યુવરાજસિંહ કનુભાઈ ચૌહાણ રહે કોંઢ તાલુકો ધાંગધ્રા વાળાઓએ મોબાઈલ ફોન પર ધમકી આપતા કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી જે ફરિયાદ ગોંડલ પોલીસને સોંપાતા ગોંડલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન રામાનુજે આરોપી શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરટીઆઇ એક્ટિવિસ્ટ રામભાઈ ને મોબાઈલ ફોન પર યુવરાજસિંહ દ્વારા ધમકી અપાઈ હતી કે અમિત જેઠવા હત્યા કેસમાં સાત અંદર ગયા છે હવે આઠમુ મારે જવું પડશે એટલે રામભાઈ એ કહ્યું કે તો તમારે મારુ મર્ડર કરવું પડે આ બાબતની બોલાચાલી અને ધમકીભરી વાતનું રેકોર્ડિંગ પોલીસમાં રજુ થવા પામ્યું હતું અને આરોપીએ ધમકી આપ્યાનું પોલીસ સમક્ષ કબૂલી લીધાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.