મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાતમાં બેરોજગાર યુવાનોને સરકારી નોકરી નહીં આપી શકતી ભાજપ સરકાર દ્વારા હવે મંત્રીમંડળમાં પણ આઉટસોર્સીંગથી ભરતી કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ સરકારના વહીવટ અને નીતિરીતિ ઉપર આકરાં પ્રહારો કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ૬૨ મહિનાથી વડાપ્રધાન હોવાં છતાં નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના કેમ જાહેર કરવામાં આવતી નથી. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગુજરાતને હળહળતો અન્યાય અંગે 'થપ્પડ' ની જાહેરાત ફરી શરૂ કરવાની માર્મિક ટકોર કરી હતી.

ગુજરાત વિધાનસભામાં આજે સામાન્ય વિભાગની માગણીઓ પરની ચર્ચાનો પ્રારંભ કરતાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર લાખો બેરોજગારોને સરકારી નોકરી આપવાનાં બદલે કોન્ટ્રાકટ કે આઉટસોર્સીંગથી ભરતી કરે છે. પરંતુ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી નહીં આપી શકતી ભાજપ સરકાર દ્વારા હવે મંત્રીમંડળમાં પણ આઉટસોર્સીંગથી ભરતી કરવામાં આવી રહી છે. અમિત ચાવડાએ કહ્યું કે, ઘણાં વિભાગોમાં કર્મચારીઓની નિવૃતિ વય મર્યાદા ૬૦ થી ૬૨ જેટલી છે. તો સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓ માટે નિવૃતિ વય મર્યાદા વધારવી જોઈએ.

ધારાસભ્ય અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકારની નીતિરિતીના કારણે રાજ્યમાં છેક જિલ્લા કક્ષા સુધીનાં અધિકારીઓ ધારાસભ્યોનુ માન-સન્માન કે પ્રોટૉકૉલ જાળવતાં  નથી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ૬૨ મહિનાથી વડાપ્રધાન હોવાં છતાં નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના કેમ જાહેર કરવામાં આવતી નથી. મોસાળમાં જમણવાર અને માં પીરસનાર હોવાનું જણાવી તેમણે ક્હ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રાજયના પડતર પ્રશ્નોની કેન્દ્રોમાં રજૂઆત કરી હતી. તે મોટાભાગે આજે પણ ઉકેલ વિનાના છે. આથી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ગુજરાતને હળહળતો અન્યાય અંગે 'થપ્પડ' ની જાહેરાત ફરી શરૂ કરવાની માર્મિક ટકોર કરી હતી.