ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોરોના મહામારી માટેનું મોટું રાહત પેકેજ આપવા બાબતે અમેરિકન સંસદમાં ચાલી રહેલી ચર્ચા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવી દેતા, કોપરના ભાવ આ સપ્તાહે નીચે જવા લાગ્યા હતા. ટ્રમ્પે પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું હતું કે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાહત પેકેજની ચર્ચા અટકાવી દેવાની મેં પ્રતિનિધિ સભાને સુચના આપી છે, હું ચૂંટણી જીતી જાઉં પછી, આપણે એક મોટું પેકેજ આપવા ખરડો લાવીશું. કોપર સામાન્ય રીતે અર્થતંત્રનું સ્વાસ્થ્ય કેવું છે તેનું પ્રતિબિંબ પાડે છે, વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરીકાનુ સ્ટીમ્યુલસ (રાહત) પેકેજ આવતા, તાંબાની તેજીને ટેકો મળશે.

ચિલીની કોપર ખાણમાં પગાર મંત્રણા અને માથે લટકતી હડતાલની તલવારે કોપરના આંતરપ્રવાહને મજબુત બનાવ્યો છે. પરંતુ ગત સપ્તાહે જે ઊંચાઈ પ્રાપ્ત થઇ હતી, ત્યાંથી નફાબુકિંગે બજાર પાછી ફરી જતા, તાંબુ કાંચના વાસણ જેવું પુરવાર થયું છે. ગત સપ્તાહની મોટી અફડાતફડી જોઈ ગયેલો એલએમઈ ત્રિમાસિક વાયદો ગુરુવારે નજીવો ઘટીને ૬૬૬૬ ડોલર મુકાયો હતો. ગત સપ્તાહે એક તબક્કે ૪.૩ ટકા ઘટીને સાત સપ્તાહની બોટમે ગયા બાદ, સપ્તાહાંતે ૨.૬ ટકા રીબાઉન્ડ થયો હતો. 

છ મહિનાની સીધી તેજીમાં ૨૧ સપ્ટેમ્બરે કોપરે જુન ૨૦૧૮ પછીની ઊંચાઈ ૬૮૭૭.૫૦ ડોલર પ્રાપ્ત કરી હતી. છેલ્લા બે સપ્તાહથી એલએમઈ કોપર સ્ટોક બમણો થઇ ગયો છે. અમેરિકન ઈકોનોમીમાં સુધારો ઘણી દૂરની વાત છે, એટલુંજ નહિ અત્યારે અર્થતંત્ર વધુ ગાઢ નિદ્રાધીન સ્થિતિમાં છે, એવા યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરમે જેરોમ પોવેલના નિવેદન બાદ મેટલ્સ અને અન્ય ફાયનાન્સીયલ બજારોમાં ગભરાટ ફેલાયો હતો. 

કોરોના રોગચાળો વધી રહ્યો છે અને ને બીજી તરફ એલએમઈ સ્ટોકમાં વૃદ્ધિ થઈ હોવા છતાં, ચીલી કોપર ખાણમાં પડનારી હડતાલ, બજારની ટૂંકાગાળાની ચિંતાને સરભર કરી નાખશે. ચિલીની ઇસ્કોન્ડીડા કોપર ખાણના સુપરવાઈઝારોએ કંપની દ્વારા પગાર વધારાની આખરી ઓફરને નકારી કાઢી હતી, પરિણામે ખાણીયાઓ હડતાલની નજીક પહોચી ગયા છે. આથી જગતની સૌથી મોટી ખાણમાં ઉત્પાદન ધીમું પડવાનો ભય ઉદ્ભવ્યો છે.

ભાવ દબાણમાં આવ્યા છે, પણ રોકાણકારો ચિલીની હડતાલ પર ધ્યાન આપીને બેઠા હોવાથી ઘટાડાનો વેગ ધીમો છે. કેનેડાની લુંન્દીંગ માઈન સંચાલકોએ આપેલી ઓફરને ચિલીની કેન્ડેલીરા ખાણનાં મજૂર સંગઠનોએ નકારી કાઢી છે. આ જોતા પણ હડતાલ અનિવાર્ય મનાય છે. કોપર ખાણોનું સંયુક્ત વાર્ષિક ઉત્પાદન ૨૮ લાખ ટન છે.

એલએમઈ ત્રિમાસિક વાયદા સામે હાજર કોપરમાં ટન દીઠ ૨૫.૫૦ ડોલરનું ડિસ્કાઉન્ટ બોલાય છે, જે જુન ૨૨ પછીનું સૌથી વધુ છે, આનો અર્થ એ થાય કે બજારમાં પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. સાક્સો બેન્કના કોમોડીટી એનાલીસ્ટ ઓલે હેન્સન કહે છે કે જો ભાવ ફરીથી ૬૪૫૦ ડોલરની નીચે જતા રહેશે તો આપણે તાજેતરમાં જોયેલું કરેકશન ફરીથી જોવાનું રહેશે. 

ચીનના યેન્ગ્શાન ખાતે આયાતી કોપરના પ્રીમીયમ ફરીથી મે ૨૦૧૯ પછીની નીચી સપાટીએ ઘટીને ૫૦ ડોલર આસપાસ બોલાવા લાગ્યા છે. ચીલી ખાતે ઓગસ્ટ કોપર ઉત્પાદન વર્ષાનું વર્ષ ૬.૨ ટકા ઘટીને ૪૮૧,૭૦૦ ટન આવ્યું હતું. મેટલ બ્રોકર મારેક્સ સ્પેક્ટ્રન કહે છે કે સટ્ટોડીયા રોકાણકારો તેજી ધ્યાને બેઠા છે, તેમના તેજીના ઓળિયા એલએમઈ વાયદાની ઓપન પોઝીશ સમાંતર ૬.૧ ટકા જેટલા મોટા છે. સટ્ટોડીયાઓ અન્ય કોમેકસ પર પણ તેજીના ઓળિયા હાથમાં રાખીને બેઠા છે. 

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)