ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકન અર્થતંત્રને કોરોના મુશ્કેલીમાંથી બહાર કાઢવા ફેડરલ રીઝર્વે ૨૦૨૩ સુધી વ્યાજદર શૂન્ય નજીક રાખવાના સંકેત આપતાજ રોકાણકારોને બુલિયન બજારમાં નફો બાંધવાની પ્રત્યાઘાતી આપવાની તક મળી ગઈ હતી. અમેરિકન પ્રમુખની નવેમ્બર ચૂંટણી અગાઉની બુધવારની છેલ્લી ફેડ મીટીંગ અગાઉ, સોનું તેજીની સવારી કરી રહ્યું હતું. પણ ગાજ્યા મેહ વરસ્યા નહી એવું, ગુરુવારે સ્પષ્ટ થતા જ નાફાબુકીંગ આવી પડ્યું હતું. એનાલીસ્ટો અલબત્ત કહે છે કે ફેડએ ભલે વ્યાજદર નીચે રાખીને નફાબુકીંગ કરાવ્યું, પણ બુલીયનની તેજી માટે તંદુરસ્ત સ્થિતિ પેદા કરી છે.

બુધવારે સોનાના ભાવ બે સપ્તાહની ઉંચાઈએ ૧૯૭૩.૧૫ ડોલર થયા પછી, ગુરુવારે વેગથી ઘટીને ૧૯૩૮ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) થયા અને શુક્રવારે એશિયન બજારમાં ૧૯૨૩ ડોલર થયા હતા. ફેડ ઉપરાંત ગુરુવારે ધારણા પ્રમાણે જ જપાન અને ઇંગ્લેન્ડે વ્યાજદર યથાવત રાખ્યા હતા. કોમોડીટી વ્યૂહકારો કહે છે કે મહત્તમ વિકસિત દેશોએ વ્યાજદર નીચા રાખવાનું વલણ અપનાવ્યું છે, તે સોનાની તેજીને લાંબાગાળે પોષણ આપતું રહેવાનું છે.


 

 

 

 

ગુરુવારે મોડેથી સમાચાર આવ્યા કે યુરો ઝોનનો કન્ઝુમર પ્રાઈસ ઇન્ડેક્સ જુલાઈની તુલનાએ ૦.૪ ટકા અને વર્ષાનું વર્ષ ૦.૨ ટકા ઘટ્યો હતો. આ બધા આંકડા કહે છે કે આગામી મહિનાઓમાં ફુગાવાના તાપણામાં નવા ઇંધણ પૂરશે. ફેડ એ નકારાત્મક સમાચાર આપ્યા પણ સોનામાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો કોઈ આશ્ચર્યજનક ન હતો, પણ તેજીવાળા નફો ખાઈને તંદુરસ્ત બનાયા છે. લાંબાગાળાના સોનાની તેજીના સંયોગ વધુ બળવત્તર બનાયા છે. ફેડ ચેરમેન પોવેલએ તો સંસદ પાસેથી વધારાની મહેસુલી રાહતો જાહેર કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો છે. તાજા અનુમાનો કહે છે કે આખરે ફુગાવો ૨૦૨૩મા બે ટકાના લક્ષ્યાંકે જઈ પહોચશે.

આ સપ્તાહે ભલે ન કહેવાયું હોય કે સોનું ૨૦૦૦ ડોલર પાર કરશે. પણ ફેડ એ કેટલાંક શસ્ત્રો ઉપલબ્ધ કરાવી દીધા છે, જે તેજીવાળા હવે પછી ઉપયોગમાં લેશે. તેમણે (તેજીવાળાને) હવે એ રાહ જોવાની રહેશે કે અર્થતંત્રની નૈયાને પાર ઉતારવા, અમેરિકન સંસદ કેવા શસ્ત્રો ઉપલબ્ધ કરાવે છે. વિશ્વની સૌથી મોટી ખાણ કંપની ન્યુમોન્ટ કોર્પએ કહ્યું છે કે કોરોના મહામારીને નાથવા સરકારો હવે પછી જે કઈ પગલાં લેશે તે કીમતી ધાતુને ઉપર જવાનો માર્ગ પ્રસસ્ત કરશે.

૬ ઓગસ્ટે સોનાએ ૨૦૮૯ ડોલરની ઐતિહાસિક ઊંચાઈ સર કરી હતી. આને લીધે સોનાની ખાણોની રોકડ પ્રવાહિતામાં સારો એવો વધારો થયો, શેરભાવ ઉંચે ગયા અને હવે ઊંચા ડીવીડન્ડ આપવાનો વારો આવશે. બજારમાં અત્યારે એવા ઘણા સંકેતો ઉપલબ્ધ છે જે કહે છે કે સોનાના ભાવને ઉંચે જવું છે.

જગતના સૌથી મોટા રીફાઈનીંગ કેન્દ્ર અને સોનાના સપ્લાયર સ્વીઝરલેન્ડએ માર્ચથી જુલાઈ ગાળામાં અમેરિકા ખાતે ૨૨ અબજ ડોલરના મૂલ્યનું ૪૨૧.૯ ટન સોનું નિકાસ કર્યું હતું. પણ ભારત ચીન અને હોંગકોંગ ખાતે માત્ર ૨૩ ટન સોનું મોકલ્યું હતું, એમ સ્વીસ કસ્ટમ્સ ડેટા કહે છે. દરમિયાન ઓગસ્ટમાં સ્વીઝરલેન્ડે ભારત ખાતે ૨૦.૨ ટન સોનાની નિકાસ કરી હતી જે મે ૨૦૧૯ પછીની સૌથી મોટી નિકાસ હતી. ચીન ખાતે ફેબ્રુઆરી પછી પહેલી ખેપ ૧૦ ટન મોકલાઈ હતી.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)