ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): મહત્તમ સરકારોની મહેસુલી આવકમાં ઘટાડાના અનુમાન લગાવીને અંદાજપત્રોમાં દાખવવામાં આવતા આંકડાની ગણતરીને આધાર બનાવીને, યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ક્રુડ ઓઇલના ભાવનું વાર્ષિક અનુમાન બાંધીએ તો, ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચે સરેરાશ ભાવનો અમારો અણસાર બેરલ દીઠ ૫૦ ડોલરનો છે, એવી આગાહી ગોલ્ડમેન સાસ બેન્કે કરી છે. વૈશ્વિક વાસ્તવિકતા જોઈએ તો સાઉદી અરેબિયાએ પણ તેના બજેટને ૫૦ ડોલર કરતા નીચા ભાવે સમતોલ કર્યું છે.

ગોલ્ડમેન કહે છે કે જો અમેરિકન ચૂંટણીમાં બિડેનની ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થાય તો તે ક્રુડ ઓઇલના ભાવ માટે હકારાત્મક ઉદ્દીપક બની રહેશે. અલબત્ત, એસએન્ડપી ગ્લોબલ પ્લાત્સ માને છે કે આ ચૂંટણીમાં જો ડેમોક્રેટ પક્ષ વિજયી થશે તો, ફ્રેકીંગ શેલ ગેસ અને ઓઈલ ઉત્પાદન પર અંકુશ મુકીને, ૨૦૨૪ સુધીમાં અમેરિકન ક્રુડ ઓઈલનું ઉત્પાદન સરેરાશ દૈનિક ૨૦ લાખ બેરલનો ઘટાડો થશે.

ટૂંકમાં અમેરિકન ચૂંટણી ક્રુડ ઓઈલ આયાત સંદર્ભે ભારતને મોંઘી પડવાની છે. જો કે એપ્રિલ ઉનાળુ ભાવ તળિયે જતા સસ્તા ક્રુડ ઓઈલ આયાતને લીધે ભારતને રૂ. ૫૦૦૦ કરોડનો ફાયદો થયો હતો, પણ હવે ભાવ ઉપર જવા લાગ્યા છે. ભારતની ક્રુડ ઓઈલ બાસ્કેટ, બ્રન્ટ ક્રુડ ઓઈલની બનાવવામાં આવી છે. નીચા ભાવની આયાતે એક તરફ ભારતનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું હતું, પણ ક્રુડ ઓઈલ પરના કરવેરા વધારીને ચાલાકી પૂર્વક કેન્દ્ર અને રાજ્યોની તિજોરીમાં આવક વધારવામાં આવી હતી.    
 
ક્રુડ ઓઈલ એનાલીસ્ટો કહે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછાં ફરશે તો, તેમની પ્રો-શેલ અને પ્રો-ફોશીલ ફ્યુઅલ નીતિ બરકરાર રહેશે, તેનો અર્થ એ થાય કે ધંધાપાણી જેમના તેમ રહેશે અને ટૂંકાગાળા માટે ક્રુડના ભાવ સાંકડી વધઘટે અથડાઈ જશે. અલબત્ત, બિડેનની જીત એટલે કે ડબલ્યુટીઆઈ ભાવ વધીને ૫૫ ડોલર થઇ શકે. બિડેન સરકાર રાતોરાત નવા નિયંત્રણો અને શેલ ગેસ સેક્ટર માટે નિયમનો અઘરા કરીને ઉત્પાદનમાં કાપ મુકવાનો પ્રયાસ કરશે.

વર્તમાન સૂક્ષ્મ સ્તરે પ્રવર્તતા ફન્ડામેન્ટલ્સ વચ્ચે એનર્જી માંગ નબળી હોવા છતાં, કેટલાંક એનાલીસ્ટો કહે છે કે ભાવ ૩૫ ડોલરના સપોર્ટ લેવલની નીચે નહિ જાય. આનું કારણ સમજાવતા તેઓ કહે છે કે ફાર્મા સ્યુટીકલ કંપની ફાયઝર વર્ષાંત પહેલા જ કોવિદ-૧૯ની રસી તૈયાર થઇ ગયાની જાહેરાત કરી દેશે. હાલમાં બ્રન્ટ ૪૩ ડોલર અને ડબલ્યુટીઆઈ ૪૧ ડોલર આસપાસ બોલાય છે. ભાવ એપ્રિલના ૧૬ ડોલરથી બોટમ આઉટ થયા છે, જે વર્ષારંભે ૬૦ ડોલર હતા.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એક નોંધમાં આગાહી કરતા કહે છે કે આ વર્ષે માંગ સરેરાશ દૈનિક ૮૪ લાખ બેરલ ઘટીને ૯૧૭ લાખ બેરલ દૈનિક રહી હતી. આવું એટલા માટે બન્યું કે ઓપેક પ્લસ દેશો તેમના ઉત્પાદન કાપના કરારોને વળગી રહ્યા. પરિણામે ચોથા ત્રિમાસિકમાં વૈશ્વિક ક્રુડ ઓઈલ રિઝર્વ દૈનિક ધોરણે સરેરાશ ૪૦ લાખ બેરલ ઘટી હતી. આઈઈએ એ આગામી વર્ષ માટે આગાહી કરતા કહ્યું હતું કે માંગ વૃદ્ધિ દૈનિક સરેરાશ ૫૫ લાખ બેરલ જોવા મળશે.

અમેરિકન શેલ ઓઈલ ઉત્પાદન સતત ઘટવાની શક્યતા જોતા, ક્રુડ ઓઇલના જાગતિક બજારે સપ્લાય માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર રહેવું પડશે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશન આગાહી કરતા કહે છે કે ૨૦૧૨મા અમેરિકન ઓઈલ ઉત્પાદન દૈનિક સરેરાશ ૧૧૧ લાખ બેરલ ઘટશે, ૨૦૨૦મા ૧૧૫ લાખ બેરલ અને ૨૦૧૯મા ૧૨૨ લાખ બેરલ ધોરણે ઘટ્યું હતું.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૯-૧૦-૨૦૨૦