રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): અમેરિકાના મિનીઆપોલીસ શહેરના 25 મે, 2020ના રોજ, એક સ્ટોરમાં એક અશ્વેત વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદવા જાય છે. 20 ડોલરની નોટ કાઢી સ્ટોરના કર્મચારીને આપે છે. સ્ટોર કર્મચારીને 20 ડોલરની નોટ બનાવટી હોવાનું જણાય છે. સ્ટોર કર્મચારી પોલીસને જાણ કરે છે. પોલીસ નજીકમાં જ હોય છે. હજુ  અશ્વેત માણસ સ્ટોરની બહાર નીકળી ઊભો ઊભો સિગારેટના કસ મારી રહ્યો હતો ત્યાં પોલીસ કાર સાથે આવી ચડે છે. સિગારેટ પીતા અશ્વેત માણસ, જ્યોર્જ ફ્લોયડને એરેસ્ટ કરે છે. તેના હાથ પાછળથી બાંધી દે છે. અને રસ્તાના સામા છેડે આવેલી કાર સુધી લઈ જાય છે. જ્યોર્જ ફ્લોયડને કારમાં ધકેલવા માટે શ્વેત પોલીસ ધક્કો મારે છે. જેનાથી જ્યોર્જ ગળથોલું ખાઈ જાય છે. જેને શ્વેત પોલીસ વિરોધ ગણી લે છે. તે જ્યોર્જ પર તૂટી પડે છે. જ્યોર્જને છાતી ભેર કાર પાસે જ નીચે પાડી દે છે. નીચે પડેલા જ્યોર્જ ની ગરદન પર તે પોતાનો પગ વાળીને મૂકી દે છે. લગાતાર 8 મિનિટ સુધી જ્યોર્જ તરફડે છે. જ્યોર્જ  પોલીસને કહે છે કે ‘પ્લીઝ મારી ગરદન પરથી પગ હટાવી લો. હું શ્વાસ લઈ શકતો નથી.’ અંતે જ્યોર્જ ફ્લોયડના શ્વાસ અટકી જાય છે. તે મૃત્યુ પામે છે. કોઈ વ્યક્તિએ આ આખી ઘટના પોતાના સ્માર્ટ ફોન પર વીડિયો સ્વરૂપે કેદ કરી લીધી; આ વીડિયો જોતા જોતામાં વાયરલ થઈ ગયો. વીડિયોથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ એક રંગભેદી ઘટના હતી. જ્યોર્જનો ગુન્હો મામૂલી હતો. આ ઘટનાના ખૂબ મોટા પ્રત્યાઘાતો પડ્યા. અમેરિકામાં શ્વેત/અશ્વેત લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસે ‘ની પોઝિશન’માં પ્રદર્શન કારીઓની માફી માંગી અને શ્વેત પોલીસે અશ્વેત પ્રદર્શનકારીઓને ગળે વળગાડ્યા.

ભારતમાં, પોલીસના અત્યાચારના કિસ્સામાં પોલીસે, માફી માંગી હોય તેવો એક કિસ્સો શોધવો મુશ્કેલ છે. લોકડાઉનમાં બેરોજગાર/ભૂખ્યા/તરસ્યા પ્રવાસી શ્રમિકો ઉપર પોલીસે અત્યાચારો કર્યા; ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી.  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની બંધારાની જમીન ખાનગી કંપનીને સોંપવાનો સરકારે નિર્ણય કર્યો ત્યારે લોકસેવક ડોક્ટર કનુભાઈ કલસરિયાએ સજ્જડ વિરોધ કર્યો; ધરણા/પ્રદર્શન વેળાએ પોલીસે મહિલાઓને ઢોર માર માર્યો હતો. મહિલાઓના સાથળ અને પીઠ ઉપર લાકડીઓના લાંબા અને કાળા સોળ પડી ગયા હતા; લોહી મરી ગયું હતું અને સોળ ઉપલી આવ્યા હતા. એ અત્યાચારના ફોટાઓ લઈને કનુભાઈ રાજ્યના પોલીસ વડાને ફરિયાદ કરવા ગાંધીનગર આવ્યા હતા; એ ફોટાઓ જોઈને કોઈ પણ માણસની આંખો ભીની થયા વિના ન રહે ! એ ફોટાઓ મેં જોયા હતા. પોલીસ અત્યાચારના એ પુરાવા હતા; ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી. થાનગઢમાં ત્રણ દલિતો પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા; ઊનામાં પોલીસ સેશનની સામે રસ્તા ઉપર દલિતોને અર્ધનગ્ન કરી ‘નકલી ગૌરક્ષકો’ ઢોરમાર મારી રહ્યા હતા; ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી. પાટીદાર અનામત આંદોલન વેળાએ અમદાવાદની પોલીસ સોસાયટીમાં જઈને વ્હીકલના કાચ તોડી રહી હતી; મારઝૂડ કરી રહી હતી; મહિલાઓને અપમાનજનક શબ્દો કહી કહી હતી; આ બધું વીડિયોમાં છે. ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી. આવા કિસ્સામાં આપણી પોલીસ દિલગીરી વ્યક્ત તો ન જ કરે; પણ દોષિત પોલીસ સામે કાર્યવાહી પણ ન કરે; એ કેવું? ઉલટાનું જે પોલીસ કમિશ્નરની નજર સામે આવું થયું હતું તેમને સરકારે નિવૃતિ પછી પણ ચાલુ રાખ્યા ! ઈનામ આપ્યું ! અમદાવાદમાં 2002ના તોફાનો વેળાએ લઘુમતી કોમના બાળકોને/મહિલાઓને ગુલમર્ગ સાસાયટી/નરોડા પાટિયા/નરોડા ગામમાં; એક સાથે સળગાવી દીધા હતા હતા; અને તે સમયના પોલીસ કમિશ્નરને સરકારે રાજ્યના પોલીસ વડા બનાવ્યા હતા ! ઈલેક્શન કમિશને તેમને DGP તરીકે હટાવ્યા હતા; પણ ઈલેક્શન પૂર્ણ થતા સરકારે બીજી વખત તેમને રાજ્યના પોલીસ વડા બનાવ્યા હતા ! કેવડું મોટું ઇનામ !

અમેરિકાની પોલીસ અને ભારતની પોલીસ વચ્ચે આવો ફરક છે; તેનું કારણ શું છે? અમેરિકાના લોકો જાગૃત છે; અન્યાય સામે શ્વેત/અશ્વેત સાથે મળીને વિરોધ કરે છે; પ્રદર્શન કરે છે; મીડિયા પણ હ્યુમન વેલ્યુઝને ટેકો આપે છે. ભારતના લોકો અન્યાયમાં પણ વર્ણ જૂએ છે; ધર્મ જૂએ છે; જ્ઞાતિ/પેટા જ્ઞાતિ જૂએ છે. વળી ભારતનું મીડિયા પણ દલિતો/લઘુમતીના પ્રશ્નોને વાચા આપતું નથી. આપણું મીડિયા હ્યુમન વેલ્યુઝને બદલે કાલ્પનિક વેલ્યુઝને મહત્વ આપે છે; જેમકે દલિત અપવિત્ર અને ગાય પવિત્ર ! કેવડિયા ખાતે 6 ગામોની આદિવાસીઓની જમીન હોટલ/ભવનો બાંધવા માટે બળજબરી પૂર્વક સંપાદન કરી રહી છે; લોકડાઉનના સમયે પોલીસનો ઉપયોગ કરીને આદિવાસીઓને જેલમાં પૂરીને તેમની જમીનનો કબજો સરકાર લઈ રહી છે. આદિવાસીઓ રડી રહ્યા છે; પરંતુ એ વેદના નાગરીક સમાજને/મીડિયાને દેખાતી નથી. ડેમ બને કે સ્ટેચ્યુ ગુમાવવાનું હંમેશા આદિવાસીઓને અને એનો લાભ લે બિનઆદિવાસીઓ ! આ કેવો વિકાસ? નિસબતહીન વ્યવસ્થા હંમેશા અશાંતિ પ્રગટાવે છે. ‘નિસબતહીનતા; એમાં આપણે શું !’ આ મેન્ટાલિટીને કારણે ભારતમાં નાગરિકોને વેઠવું પડે છે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)