મેરાન્યૂઝ નેટવર્ક. વોશિંગ્ટન: અમેરિકામાં લગભગ સાત દાયકા પછી પહેલીવાર કોઈ મહિલાને મોતની સજા આપવામાં આવી રહી છે. આ મહિલાને સગર્ભાને મારી નાખવા અને તેનું પેટ કાપીને તેના બાળકનું અપહરણ કરવા માટે દોષી સાબિત થઈ હતી. કોર્ટના આદેશ પર હવે તેને 8 મી ડિસેમ્બરે ઘાતક ઈંજેક્શન સાથે મોતની સજા આપવામાં આવશે.

સગર્ભાની હત્યા કરવા અને પેટ કાપીને તેના બાળકનું અપહરણ કરવા બદલ દોષી

અધિકારીઓના જણાવ્યા મુજબ 2004 માં પાલતુ કૂતરો ખરીદવાના બહાને 23 વર્ષીય બોબી સ્ટીનેટના મિસૌરી ખાતેના ઘરે પહોંચેલી દોષી લિસા મોન્ટગોમરીએ દર્દનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. 36 વર્ષીય મોન્ટગોમરીએ પહેલા 8 મહિનાની ગર્ભવતી સ્ટીનેટને દોરડા વડે ગળું દબાવીને મારી નાખી. પછી તેનું પેટ કાપીને બાળકને લઈને ભાગી ગઈ.મોન્ટગોમરીએ પકડાયા બાદ મિસૌરી કોર્ટમાં ગુનો કબૂલ્યો હતો, અને 2008 માં જજે તેને અપહરણ અને હત્યા માટે દોષી ઠહેરાવી. જો કે આ કેસની સુનાવણી દરમિયાન દોષીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તે બીમાર છે અને જજે તેને નકારી કાઢી હતી.

યુ.એસ. માં  લગભગ 20 વર્ષ પ્રતિબંધ બાદ ફાંસીની સજા 3 મહિના પહેલા જ ફરીથી બરકરાર રાખવામાં આવી છે. લિસા મોન્ટગેમરી આ સજા પ્રાપ્ત કરનારી 9 મી ફેડરલ કેદી છે. યુ.એસ. માં 1953 માં છેલ્લી વખત કોઈ મહિલાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ડેથ પેનલ્ટી ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાંસીની રાહમાં દોષિતોમાં 2 ટકા મહિલાઓ  છે. પુરુષો કરતાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા હિંસક ગુનાઓ માટે ફાંસીની સજા ઘણી ઓછી છે.