મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસને શહેરમાં રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવાનો કડક આદેશ અપાયા બાદ હવે રખડતી ગાયોએ પકડી ટેગિંગ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

મીડિયામાં પ્રસારિત અહેવાલો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લેવા હવે ઢોરને પકડી ટેગિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરમાં ગાયોની સંખ્યા વધારે છે. જેથી કોર્પોરેશન દ્વારા ગાયોને પકડી એક ખાસ ઇન્જેક્શન દ્વારા ટેગિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેગિંગથી હવે ગાયની માલિકી કોની છે અને કેટલી વખત પકડાઇ, ક્યા વિસ્તારમાંથી પકડાઇ વગેરે વિગતોનો ડેટા કોર્પોરેશન પાસે એકત્ર થશે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એક અંદાજ અનુસાર અમદાવાદમાં 70 હજાર જેટલી રખડતી ગાયો છે.