મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સરકારના કયા તંત્રમાં ભ્રષ્ટાચાર નથી? તેવો કોઈ દાવો પણ કરી શકે તેમ નથી. મજબુરી કે લાલચથી શરૂ થયેલો આ સિલસિલો એક ક્યારેય ન ભરાનારી ભૂખ બની જતો હોય છે અને પછી તેમાં પરિવારના સંસ્કારો તો છોડો વ્યક્તિ માણસાઈ પણ ઘણીવાર ભૂલી જતો હોય છે. લાંચિયાઓને પકડવા માટે બનાવવામાં આવેલા એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ના હાથે ઘણીવાર આવા લાંચિયાઓ ઝડપાઈ જતાં હોય છે. અમદવાદના મણિનગરમાંથી એસીબીએ આવા જ એક કોર્પોરેશનના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગના કર્મચારીને રંગેહાથ પકડી પાડ્યો છે. ઢોર નહીં પકડવા માટે આ શખ્સ 20 હજાર રૂપિયા માગતો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોર્પોરેશનના કર્મચારી સેમસંગ વી. દેસાઈએ રૂપિયા 20 હજારની માગ એક વ્યક્તિ પાસે કરી હતી, આ લાંચ તેણે તે વ્યક્તિના માલિકીના ઢોર નહીં પકડવા સામે માગી હતી. જોકે તેમને લાંચ આપવાનું મંજુર ન્હોતું. તેમણે આ બાબતે એસીબીને જાણ કરી હતી. 

અમદાવાદ એસીબીના પીઆઈ રિદ્ધી દવે અને તેમની ટીમે મદદનિશ નિયામક કે બી ચુડાસમાના સુપરવિઝન હેઠળ એક ટ્રેપ ગોઠવી હતી. તેમણે બે સરકારી પંચોને સાથે રાખી એક છટકું ગોઠવ્યું અને જેવા લાંચના રૂપિયા લાચિયા બાબુએ લીધા કે એન્ટ્રી મારી અને તેને રંગે હાથે ઝડપી પાડ્યો. લાંચના ચશ્મા પાછળ અંધ તે કર્મચારી છટકું પારખી શક્યો નહીં. એસીબીએ આ ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.