પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ):  દેશમાં જ્યારે કોરોનાની સ્થિતિ વિકરાળ બની છે અને સમગ્ર દેશને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે ત્યારે, આપણા રાજકારણીઓની ભૂલ અનેકોના જીવનને જોખમમાં મુકી દે છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ હોવા સાથે પોતે સંક્રમીત થયા છે તેવો અંદાજ તેમને આવી ગયો હોવા છતાં પાંચ દિવસ સુધી તેઓ કોંગ્રેસના અનેક નેતાઓને મળ્યા અને વિવિધ સ્થળે તેમણે હાજરી આપી.

રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા ભરતસિંહ સોલંકી તા. 15મી જુનના રોજ અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે ત્યાં થર્મલ ગન દ્વારા તેમને ચેક કરવામાં આવ્યા હતા. તેમનું ટેમ્પરેચર તે વખતે 104 હતું. જેને કારણે સલામતી રક્ષકોએ તેમને અટકાવ્યા હતા છતાં તેઓ મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા અને સાંભળ્યું નહીં. આમ 15મી તારીખે જ તેઓ સંક્રમિત હોઈ શકે છે તેવો અંદેશો આવી ગયો હતો. આમ છતાં તેઓ રાજ્યસભાની ચૂટણી સુધી કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને મળતા રહ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં પણ તેમણે ભાગ લીધો.

અત્રે સૂચક બાબત એવી છે કે વિધાનસભામાં ચૂંટણીના દિવસે તેઓ જ્યારે આવ્યા ત્યારે વિધાનસભાની થર્મલ ગને તેમના શરીરનું તાપમાન સામાન્ય હોવાનું નોંધ્યું હતું. તેનો અર્થ એવો થયો કે તેમણે પોતાના તાવને નિયંત્રીત કરવા માટે કોઈ દવા લીધી હશે જેને કારણે વિધાનસભામાં થર્મલ ગનમાં તેમનો તાવ નોંધાયો નહીં. પરંતુ આ ચૂંટણી દરમિયાન તેઓ નેતાઓ અને ચૂંટણી અધિકારીઓના સંપર્કમાં આવી ગયા હતા.

ભરતસિંહ સોલંકી પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ કોંગ્રેસના ચેતન રાવલ, ધારાસભ્ય ચિરાગ કાલરિયા, મૌલિન વૈષ્ણૌ પણ સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાને પણ ક્વોરંટાઈન થવું પડ્યું. આ ઉપરાંત ચૂંટણી પંચના અધિકારીઓને પણ ક્વોરંટાઈન થવું પડ્યું હતું. જુઓ આ રહ્યો અંબાજી મંદિરનો વીડિયો...