મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા માટે ગુજરાત સહિત દેશભરના લોકો પગપાળા કરીને અંહી પહોંચતા હોય છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. પરંતુ હજારો માઈભક્તો પગપાળા કરીને માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા છે. મહીસાગર જીલ્લાના કરણપુર ગામના માઇ ભક્તો દર વર્ષની જેમ પગપાળા અંબાજી પહોંચી જગત જનની માં જગદંબાના દર્શન કરી અંબાજી મંદિર પર ધજા ચઢાવી ટ્રેકટરમાં પરત ફરતા બાયડ-કપડવંજ રોડ પર ટ્રેકટરને લકઝરી બસે ટક્કર મારતા ટ્રેકટરની ટ્રોલી પલ્ટી મારી જતા એક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ૩૯ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે તાબડતોડ દવાખાને ખસેડાયા હતા બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના કરણપુર (મુખીવાળુ ફળિયું) માં રહેતા માઇ ભક્તો પગપાળા અંબાજી સંઘ સાથે પદયાત્રીઓના માલસામાન માટે ટ્રેકટર સાથે અંબાજી પહોંચી પરત ફરત પદયાત્રીઓ ટ્રેકટરમાં બેસી વતન પરત ફરી રહ્યા હતા ત્યારે બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ નજીક લકઝરી બસ યમદૂત બની ત્રાટકી ટ્રેકટરને પાછળ થી ટક્કર મારતા ટ્રેકટરની ટ્રોલી પલ્ટી જતા ટ્રેકટરમાં સવાર કિરણભાઈ રાયસીંગ બારિયાના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ટ્રોલી પલ્ટી જતા ટ્રોલીમાં બેઠેલા લોકો ફુગ્ગાની માફક હવામાં ફંગોળાયા હતા અને ૩૯ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માત સર્જી લકઝરી બસનો ચાલક બસ ઘટનાસ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી.

બાયડ પોલીસે ટ્રેકટર ચાલક જીગ્નેશ શનાભાઈ પટેલીયાની ફરિયાદના આધારે અજાણ્યા લકઝરી બસ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પડાવા ચક્રો ગતિમાન કર્યા હતા.