જય અમીન (મેરાન્યૂઝ. અંબાજી) : સુપ્રસિદ્ધ યાત્રધામ અંબાજી મંદિરમાં વર્ષે દહાડે લાખ્ખો માઇભક્તો માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે આરાસુરમાં બિરાજમાન જગતજનની માં અંબા પ્રત્યે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ભક્તો પોતાની માનતા - બાધા પૂરી કરવા માટે માના ચરણોમાં સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે માં અંબાના ચરણે ધરાતાં ચાંદીના આભૂષણ, છત્ર, ત્રિશુલ સહિતની ભેટો ડુપ્લીકેટ નીકળતી હોય છે અનલોક પછી અંબાજી મંદિરના ભંડારામાં ભેટમાં આવેલી ૨.૩૯કરોડની ૯૦ ટકા ચાંદી નકલી નીકળતા ખળભળાટ મચ્યો છે વેપારીઓ ભક્તો અને માતાજી સાથે છેતરપીંડી કરી રહ્યા છે 

પ્રાપ્ત માહીતી અનુસાર, શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો  પોતાની જે પણ બાધા માનતા કરી  મંદિરના ભંડારામાં નાણાં ઉપરાંત સોના ચાંદીના છત્ર, ત્રિશૂળ, પતરા ઉપર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરે છે.  ભક્તો પૂજાની થાળી સાથે તેમજ સોના ચાંદીની દુકાનો પરથી ખરીદી કરેલી આ વસ્તુઓ મોટાભાગે નકલી નીકળે છે.  ભંડારામાં આવેલી  આવી વસ્તુઓ ચકાસણી દરમ્યાન ૨.૩૯ કરોડની કિંમતની ૩૮૬ કિલો જેટલી એટલે કે ૯૦ ટકા ચાંદીની ભેટો નકલી નીકળી છે.જોકે આ નકલી ચાંદીને ખોટી ખાખર તરીકે ઓળખવામાં આવે છે.  

Advertisement


 

 

 

 

 

નકલી ચાંદીની ભેટ તરફ નજર કરીએ તો વર્ષ  ૨૦૧૯- ૨૦,૧૦૧ કિલો ચોખ્ખી ચાંદીની આવક થઈ હતી જ્યારે ૨૭૩ કિલો ચાંદી ખોટી નીકળી હતી.જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં ચોખ્ખી ચાંદીની આવક ૯૫ કિલો અનેખોટી ચાંદી ૧૧૩ કિલો નોંધાઈ છે જોકે ખોટી ચાંદીના કારણે ભક્તો અને મંદિર ટ્રસ્ટને વર્ષ દરમ્યાન કરોડોનું નુકસાન થવાની સાથે ભક્તો સાથે છેતરપીંડી થઈ રહી છે ત્યારે જિલ્લા સમહર્તા દ્વારા ભક્તોને અસલી ચાંદી ની જગ્યાએ નકલી ચાંદી પધરાવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અંબાજી મંદીર ટ્રસ્ટે કહ્યું કોઈ માઇભક્તની ફરીયાદ મળશે તો કાર્યવાહી કરાશે,

અંબાજીમાં આવતા ભક્તો પોતાની જાતે જ ભંડારામાં ચાંદીના આભૂષણોની ભેટ કરતા હોય છે. જે ભેટ સાચી કે ખોટી તે ભંડારાની ગણતરી સમયે જાણી શકાય છે.જેમાં નકલી ચાંદીની ખરીદી  ક્યાંથી કરવામાં આવી તે જાણી શકાતું નથી. કોઈપણ ભક્તે ખરીદી કરેલી સામાન્ય ભેટ પણ મંદિર ટ્રસ્ટને બતાવી ભેટ કરશે અને નકલી જણાશે તો વેપારી સામે કડક કાર્યવાહી કરવાનું મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું.