ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : વિશ્વના સૌથી મોટા બેઝ મેટલ ઉત્પાદક અને વપરાશકાર ચીન તેના કાર્બન ઉત્સર્જન મર્યાદા લક્ષ્યાંક પૂર્ણ કરવા એલ્યુમિનિયમના ઉત્પાદન પર કાપ મુકવા ઉત્તાવાળું થયું છે, બીજી તરફ વીજળી સમસ્યા વધવા સાથે ઊંચા નૂરદરોએ એલ્યુમિનિયમના ભાવને ૧૩ વર્ષની નવી ઊંચાઈએ પહોંચાડી દીધા છે. લંડન મેટલ એક્સ્ચેન્જ પર ત્રિમાસિક એલ્યુમિનિયમ વાયદો ગુરુવારે ૨૯૭૭ ડોલર પ્રતિ ટન થયા પછી શુક્રવારે એશિયન બજારોમાં નફાબુકિંગ વચ્ચે ૨૯૨૩ ડોલર મુકાયો હતો. વર્ષારંભથી અત્યાર સુધીમાં ભાવ ૪૩ ટકા ઉછળ્યાં છે. કોરોના મહામારીના આરંભકાળમાં એપ્રિલ ૨૦૨૦માં ભાવ પાંચ વર્ષના તળિયે ૧૪૨૯ ડોલર થયા હતા. 

ઉત્પાદન પ્રક્રિયાને જાળવી રાખવા આખા વિશ્વને ગ્રીન એનર્જીની આવશ્યકતા રહેવાની, જેને લીધે જગત હવે ડી-કાર્બોનાઇઝેશન ટૂંક સમયમાં વેગથી આગળ વધશે ત્યારે ગ્રીન ઊર્જા પ્રાપ્ત કરવા વૈકલ્પિક ધાતુઓના અખતરા કરશે પરિણામે આ સફેદ ધાતુ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. કોવિદના આઘાતમાંથી દુનિયા ધીમે ધીમે બહાર આવી રહી છે ત્યારે અર્થતંત્રો સુધારા પર છે, આ જોતાં એલ્યુમિનિયમની જબ્બર માંગ શક્ય છે, ખાસ કરીને વિશ્વના કૂલ ઉત્પાદનમાંથી ૬૦ ટકા એલ્યુમિનિયમ વાપરતા ચીનની અઢળક માંગ નીકળી છે.

Advertisement


 

 

 

 

 

ચીનમાં એલ્યુમિનિયમ ઉત્પાદન દરમિયાન કૂલ કાર્બન ધુમાડામાં ૪ ટકા હિસ્સો એકલા આ ઉધ્યોગનો છે, ત્યાર પછીના ક્રમે સ્ટીલ અને સિમેન્ટ ઉધ્યોગ છે. આ બધા ઊધ્યોગો પર સરકારી નિયંત્રણો વધી રહ્યા છે. બીજિંગ હવે રિસાયકલ એલ્યુમિનિયમ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આખા જગતના ઉધ્યોગોની મૂળ સમસ્યા હવે વધતાં વીજદરો છે. ચીનના યૂનાન પ્રાંતમાં હાઇડ્રોઇલેક્ટ્રિક વીજદરો સસ્તા હોવાથી સ્મેલટરો હવે તે પ્રાંત તરફ સ્થળાંતર કરવા લાગી છે. પણ હવે ત્યાં આવા લાભો ઓછા કરવાનું સરકાર વિચારવા લાગી છે.

ચીનમાં સિલિકોન અને મેગ્નેશિયમ ઉત્પાદનનું વિસ્તરણ થવા લાગ્યું છે, તેથી હવે આ ઉત્પાદકોની વીજ માંગ વધવાની છે, તેથી વીજળી વપરશનો નવો દર જોખમી તબક્કામાં દાખલ થઈ ગયો છે. વૂડ મેકેનજીના એનાલિસ્ટ ઉદય પટેલ કહે છે કે આ બધી સમસ્યાઓને ધ્યાન પર લેતા સ્મેલટરોની ઉત્પાદન કોસ્ટ વધશે, જે એલ્યુમિનિયમના ભાવ પર નવું દબાણ લાવશે.

એલ્યુમિનિયમના ભાવ વધવા પાછળનું અન્ય એક કારણ, પાંચ સપ્ટેમ્બરથી પશ્ચિમ આફ્રિકાના એક મહત્વના અને મોટા બૉક્સાઈટ ઉત્પાદક દેશ ગુયાનામાં બળવો થતાં, ત્યાંનું બૉક્સાઈટ ઉત્પાદન અટકી પડ્યું છે. ગુયાના એ ચીનનો સૌથી મોટો બૉક્સાઈટ સપ્લાયર દેશ છે. વિશ્વના સૌથી મોટા બૉક્સાઈટ ઉત્પાદકોમાંના એક ગુયાનામાં સત્તા માટેનો નવો સંઘર્ષ અને રાજકીય અચોક્કસતા બૉક્સાઈટ નિકાસમાં ખાંચારો પાડી દેશે. પરિણામે જેપી મોર્ગન કહે છે કે તમામ એલ્યુમિનિયમ ઉત્પાદક દેશોને હવે ગુયાનામાંથી બૉક્સાઈટ નિકાસના કરારો નવેસરથી કરવા પડશે.

Advertisement


 

 

 

 

 

મુંબઈ સ્થિત એલ્યુમિનિયમ ટ્રેડરનું કહેવું છે કે તાજેતરમાં વેગથી વધેલા ભાવોને કારણે જપાનના વપરાશકારો અને ઓસ્ટ્રેલિયન ઉત્પાદકો વચ્ચે એલએમઇ ભાવ પર ઓકટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ડિલિવરીના ટન દીઠ ૨૩૦ ડોલરના પ્રીમિયમની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે, જે છેલ્લા ૬/૭ વર્ષમાં સૌથી ઊંચા છે. યુરોપ અને અમેરિકન ગ્રાહકોને પણ મલેશિયા અને શીંગાપુરથી એલ્યુમિનિયમ આયાત કરવા માટે ખૂબ ઊંચા પ્રીમિયમ આપવા પડી રહ્યા છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)