અમદાવાદઃ અલ્પેશભાઈને બોલતા સાંભળવા લહાવો છે. ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે છેલ્લે તે મશરૃમની વાત લઈ આવ્યા હતા. એક જ પત્થરથી  તેમણે તાયવાન અને વડાપ્રધાનના વાનનો શિકાર કરીને આખા દેશને મનોરંજન પૂરું પાડેલું. બીજી એક વાત, તેમની બોલવાની શૈલી શંકરસિંહ વાઘેલાને મળતી આવે છે. (અહીં માત્ર વાક્ શૈલીની વાત થઈ રહી છે.) 

અલ્પેશભાઈ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય છે. રાધનપુર અમારો ઈલાકો. વઢિયાર તરીકે ઓળખાય. અહીંના લોકોની સેન્સ ઓફ હ્યુમર ઊંચી અને સહજ. રાધનપુરની પડખે આવેલું વારાહી તો વીટની રાજધાની ગણાય. આ ગામનું નાનું છોકરુંય રમતાં રમતાં કટાક્ષ કરે. હાસ્યવૃત્તિ ઊંચી હોય તે સારી વાત છે. આમેય આજનું રાજકારણ એટલું દઝાડે છે કે આવા હાસ્યના ચમકારા સારા લાગે.

પણ અહીં વાત જુદી કરવી છે. અલ્પેશભાઈની અંદરની વૃત્તિ ચિંતા કરાવે તેવી છે. ગુજરાતની શાંતિ અને ઓળખ બન્નેને નુકશાન કરે તેવી છે. ગુજરાતમાં પરપ્રાંતિયો અનેક વર્ષોથી રહે છે. એક વખત ગુજરાતમાં રહેવા આવતો બહારનો જણ ગુજરાત છોડતો નથી કારણ કે તેને અહીં શાંતિ અને સલામતીનો અનુભવ થાય છે. ગુજરાતીઓ હળી-મળીને રહેનારી પ્રજા છે. બહાર જાય તો બધામાં ભળી જાય અને ઘરઆંગણે બહારનાને પોતાનામાં સમાવી લે. બધાને પોતાનામાં સમેટી લે અને પલટી પણ દે. આવા ગુજરાત પર થોડાક લોકોને કારણે કાળી ટીલી લાગે અને તેના નિમિત્ત, એક ધારાસભ્ય બને તે દુઃખદ છે. અલ્પેશ ઠાકોરનો બે વર્ષ પહેલાંનો વીડિયો તેમના ઈરાદાઓને, નિયતને, પ્રયોજનને સ્પષ્ટ કરે છે. પહેલાં ફરી ફરીને બોલવું અને હવે બોલીને ફરી જવું એ સમગ્ર ગુજરાત સામેની બદમાસી છે. પહેલાં પરપ્રાંતિયોને મારવાની અને ભગાડવાની વાત કરવી અને પછી એમ કહેવું કે મેં ક્યાં હીંસાની વાત કરી હતી તે માત્ર છોકરમત નથી, રાજરમત છે. 

અલ્પેશભાઈ, લોકોને ઉશ્કેરીને સેનાઓ ઊભી કરવી સહેલી છે, પણ તેને નિયંત્રણમાં રાખવી અઘરી છે. લોકો વાતોમાં આવી જાય, બહેકાવામાં આવી જાય પણ પછી તે બેફામ પણ થઈ શકે. પ્રજાના પ્રતિનિધિ બનવાનું સહેલું નથી. સેના ઊભી કરવી એ આગ સાથે રમત કરવા સમાન છે અને આગ ક્યારેય લગાડનારનો જ ભોગ લે છે. 

તમને સાન-ભાન છે કે તમે શું કરી રહ્યા છો  ? તમે ગુજરાતની હજારો વર્ષ જૂની ઓળખ સાથે ચેડાં કરી રહ્યા છો. 

પરપ્રાંતીયોને કારણે આપણા યુવાનોને રોજગારી નથી મળતી એ વાત જેટલી સાચી છે એટલી જ ખોટી છે. જેને કામ કરવું છે તેને તો કામ મળી જ રહે છે. આજના વૈશ્વિક માહોલમાં પરપ્રાંતીયોનો વિરોધ કરવો એ હાસ્યાસ્પદ બાબત છે કારણ કે આખી દુનિયામાં લોકો સ્થળાંતર કરીને ધંધો-રોજગાર મેળવી રહ્યા છે. 

અરે, આપણા આશરે એક કરોડ ગુજરાતીઓ આખા વિશ્વમાં પથરાયા છે. એ વાત આપણે કેવી રીતે ભૂલી શકીએ? 

રાધનપુરના નવાબે પાકિસ્તાન સાથે ભળવાની તજવીજ કરી હતી ત્યારે પાટણના પત્રકાર પ્રહલાદભાઈ ખમારે જન્મભૂમિમાં રિપોર્ટ છાપીને તેમના ઈરાદા પર પાણી ફેરવી નાખ્યું હતું. સરદારે તરત પગલાં ભર્યાં હતાં.

અલ્પેશ ઠાકોરનો ઈરાદો કેવો છે તેની વાત છોડીએ તો પણ એટલું જ કહેવાનું આપણા અને પારકાની રમત કરવા જેવી નથી. આપણે ઠાકોર થઈને ઠાકરેનો વાદ લેવા જેવો નથી. એ ચિંતા કરાવે તેવી સંકુચિતતા  જ છે.  મહારાષ્ટ્ર અને ગુજરાત ભલે અડખે-પડખે રહ્યાં પણ બન્નેનો સ્વભાવ અને પરિપાટી જુદાં છે. 

રોજગારી કે ધંધા માટે ક્ષમતા કેળવવી જ પડે, સ્પર્ધમાં ટકી રહેવા જાતને લાયક કરવી જ પડે. એનો કોઈ વિકલ્પ નથી. અહીં કોઈની કોઈ નોકરી છીનવી નથી લેતું, હા, ગેરલાયક કે ઓછા લાયકની નોકરી લાયક ઝૂંટવી લે છે, માટે પ્રાંત કે પર પ્રાંતને બદલે લાયકાત પર જ ફોકસ કરવા જેવું છે. 

અલ્પેશભાઈ વૃત્તિ બદલજો, હાસ્યવૃત્તિ અકબંધ રાખજો. 

ખોટું લગાડતા નહીં, કોઈ સાચું કહે તો સાચું જ લગાડવાનું હોય. 

બે પાંદડે થાવ ત્યારે તમે પણ તાયવાનથી મશરૃમ મંગાવીને વધારે ગોરા થઈ શકશો. 

અમારી શુભકામના, અને આખી કોંગ્રેસ, તમારી સાથે જ છે.

(લેખક- રમેશ તન્ના)