મેરાન્યૂઝ નેટવર્ક.રાધનપુરઃ આમ તો ગુજરાતમાં છ બેઠકો પર પેટા ચૂંટણી છે પરંતુ મોટા ભાગનાઓની નજર રાધનપુર બેઠક પર જામેલા ચૂંટણી જંગની છે. જોકે તેમાં પ્રતિસ્પર્ધી કરતાં અલ્પેશ ઠાકોર જ પોતાના મોંઢાથી પોતાની હાસ્યાસ્પદ ઈમેજ ઊભી કરતાં જાય છે, પરંતુ કેટલાકનું એવું પણ કહેવું છે કે આ ભાજપ સાથે થયેલી સોદાબાજીનું પરીણામ છે. વાત એવી છે કે અલ્પેશ ઠાકોરે વધુ એક વાર ફાંકા ફોજદારી કરી છે કે, પોતાની ઓફીસ વિજય રુપાણીની બાજુમાં હશે અને પોતે મંત્રી બનીને આવશે તે પણ લાલ લશકર સાથે આવશે અને પહેલા જે રજૂઆતો કરતા હતા તે અંગે હવે ઓર્ડર કરશે.

રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય બન્યા અને મંત્રી બનવાના ઓરતાને પગલે કોંગ્રેસમાં થતી અવગણનાના બહાને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા. જોકે ધારાસભ્ય પદના રાજીનામાના ઘણા સમય બાદ પણ મંત્રી બનવાના ઓરતા હજુ પણ છે. જેને પગલે તેઓએ નિવેદન કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમના દ્વારા કહેવાયું છે કે, ધારાસભ્ય હતો ત્યારે રજૂઆતો કરતો હતો, પણ હવે મંત્રી બનીને આવીશ અને લાલ લશકર સાથે આવીશ. પહેલા રજૂઆતો કરતો હતો હવે ઓર્ડર કરીશ.

અલ્પેશ ઠાકોર પોતાની જ બડાઈ પોતાના જ મુખે કરી રહ્યા હોવાને પગલે તેમની સ્થિતિ હાલ હાસ્યાસ્પદ બની છે પરંતુ પંડિતોનું કહેવું છે કે જો ખરેખર અલ્પેશના બોલ સાચા પડે તો આ ભાજપ સાથે થયેલી એક માત્ર સોદાબાજીનો જ ભાગ ગણી શકાય.