મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિના રાજ્ય સ્તરના આગેવાન અને સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયાનો સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ મારફતે કબજો મેળવી સુરત ક્રાઇમ બ્રાંચે રાજદ્રોહના 3 વર્ષ જૂના કેસમાં તેની વિધિવત ધરપકડ કરી છે.

2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન તેની ચરમસીમા પર હતું. એ વખતે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં PAASના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલ સહિતના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં હાર્દિક પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જ્યારે અલ્પેશની ધરપકડ કોઈને કોઈ કારણોસર બાકી રહી ગઈ હતી. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી.

હવે બન્યું એવું કે રાજદ્રોહના ગુનામાં તે વોન્ટેડ હોવા છતાં કેટલાક જાહેર કાર્યક્રમમાં તે જોવા મળ્યો હતો. આમ છતાં પોલીસ તેને પકડતી ન હતી. તેવામાં અમદાવાદના રાજદ્રોહના ગુનામાં પણ તે નાસતો ફરતો હોવાથી ક્રાઇમ બ્રાંચ અમદાવાદે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને સાબરમતી જેલમાં ધકેલી દેવાયો હતો. જ્યાંથી ટ્રાન્સફર વોરન્ટ મારફતે સુરત ક્રાઇમ બ્રાંચે તેનો કબજો મેળવી રાજદ્રોહના ગુનામાં તેની ધરપકડ કરી છે.