મેરાન્યૂઝ નેટવર્ક,વડોદરા: ઇન્ડીયન મેડીકલ ગુજરાત બ્રાન્ચ દ્વારા આવતીકાલે 2 જાન્યુઆરીના રોજ મંગળવારે ‘બ્લેક ડે’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (MCI)ને વિખેરી નાંખી તેના સ્થાને નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) અમલી બનાવવા જે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, તેના વિરોધમાં સમગ્ર ભારતમાં આવતીકાલે IMA દ્વારા ‘બ્લેક ડે’ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં IMA વડોદરા દ્વારા સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોઇપણ હોસ્પિટલમાં કામગીરી કરવામાં નહીં આવે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ પુરી પાડવામાં આવશે.

IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો. ભૂપેન્દ્ર શાહે એક અખબારી યાદીમાં માહિતી આપતા જણાવ્યું હતું  કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનનારા નેશનલ મેડિકલ  કાઉન્સિલ બીલના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા આવતીકાલે ‘બ્લેક ડે’ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સમગ્ર ગુજરાત  રાજ્યનાં 25,000 કરતા વધુ ડોકટર્સ જોડાશે, જેમાં સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોના ડોકટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા 10,000 કરતા વધું  વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે સમગ્ર રાજ્યમાં ડોકટર્સ ‘બ્લેક ડે’માં જોડાશે પરંતુ ઇમરજન્સી સેવાઓ ક્રિટિકલ કેર સવર્સિસ ચાલુ રહેશે.

IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ જણાવ્યું હતુ કે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરી નેશનલ મેડિક્લ કાઉન્સિલ અમલી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા જે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેનો સમગ્ર ભારતના ડોકટર્સ દ્વારા આવતીકાલે વિરોધ કરવામાં આવશે. આ અમલથી સામાન્ય જનતાને કોઇ ફાયદો નથી તેમજ તેમાં ખૂબ ગૂંચવણો છે. આ બીલ ગરીબ વિરોધી અને લોકશાહી વિરોધી હોવાથી અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર અમારી માંગણીઓ પૂરી  નહી કરે તો આગામી દિવસોમાં ઇન્ડિયન મેડીકલ એસોશીએશન દ્વારા વધુ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.