મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં મોટેરા ખાતે હાલમાં જ નિર્માણ પામેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 24મી ફેબ્રુઆરીએ પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવાની છે. ભારત અને ઈંગલેન્ડ વચ્ચે રમાનારી આ મેચ આ જ સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે તે પહેલા આ સ્ટેડિયનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાશે, જે 23મી ફેબ્રુઆરીએ યોજાવાનો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોઈ આ ઉદ્ઘાટન કાર્યક્રમ પણ ભવ્ય બને તેવી તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ હજુ તેની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. જોકે તે પણ આગામી એકાદ બે દિવસમાં નક્કી કરી લેવાશે.

દુનિયામાં 1 લાખ લોકોને બેસવાની કેપેસિટિ ધરાવતું આ ગ્રાઉન્ડ ઘણી બધી બાબતોમાં એડવાન્સ છે. જોકે હાલમાં યોજાનારી મેચમાં પણ આ ગ્રાઉન્ડમાં લોકોને સંપૂર્ણ ભરી શકાશે નહીં કારણ કે કોરોના મહામારીને પગલે ગ્રાઉન્ડની ટોટલ કપેસિટિ કરતાં 50 ટકા જ લોકોને એટલે કે 50 હજાર લોકોને જ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સહિતના કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે પ્રવેશ અપાશે. લોકોને અહીં સાબરમતી તરફના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ આપવામાં આવશે.


 

 

 

 

 

સૌથી મહત્વની વાત અહીંની સિક્યૂરિટી છે જેમાં મોબાઈલ અને પર્સ સિવાયની કોઈપણ વસ્તુ અહીં લઈ જવા દેવાશે નહીં. અહીં સતત બોમ્બ સ્ક્વોડ અને અન્ય સિક્યૂરિટી ચેકિંગ કરવામાં આવશે. સાથે જ અગાઉ ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન આજુબાજુના સરકારી પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ હતી તેમ આ વખતે પણ સિક્યૂરિટીને ધ્યાને લઈ લોકોને અહીં વાહન પાર્ક કરવા દેવાશે નહીં. મતલબ કે લોકોને લગભગ એકાદ અડધો કિલોમીટર ચાલીને સ્ટેડિયમ પહોંચવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 24મીથી 28મી ફેબ્રુઆરી દરમિન ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ, 4થી 8 માર્ચ સુધી ચોથી ટેસ્ટ અને 12, 14, 16, 18 અને 20 માર્ચે ટી 20ની મેચ રમાવાની છે. અમદાવાદમાં મેચ રમાવાની હોઈ ગુજરાતમાં ક્રિકેટ ચાહકોમાં અલગ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે. જોકે તે પછીની વન-ડે મેચ પૂણેમાં રમાવાની છે.