મેરાન્યૂઝ નેવટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસના એક કર્મચારીનો ફોટો ઘણો વાયરલ બની રહ્યો છે જે કદાચ તમે પણ જોયો હશે. જેમાં પોલીસ કર્મી પોતાના બાઈક પર હેલમેટ પહેર્યા વગર ઉપરાંત ફોન કાન અને ખભા વચ્ચે દબાવી ફોન પર વાત કરતા હતા ત્યારે જ કોઈ વ્યક્તિએ તે ઘટનાને કેમેરામાં કંડારી લીધી. સ્વાભાવીક છે કે લોકો પાસેથી ટ્રાફીક નિયમો પડાવવા માટે ઉંચી કિંમતના દંડ ઉઘરાવતા નિયમો છે અને તે સહિતના કાયદાનું પાલન કરાવવું પોલીસની જવાબદારીઓ પૈકીની એક છે. ત્યારે પોલીસ જ કાયદો તોડે અને તે પણ જાહેરમાં આવી જાય તો સામાન્ય જનતા માટે તે અત્યંત અસહ્ય બને છે. જોકે પહેલા લોકો આવા દ્રશ્યો માત્ર જોઈ અને તેની વાતો કરી શકતા હતા. હવે લોકો તેનો વીડિયો કે ફોટો દ્વારા તેને અન્યો સુધી પહોંચાડે છે.

આવો જ વાયરલ થયેલો ફોટો પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો છે. આ ફોટો વાયરલ થયા બાદ તે પોલીસ કર્મચારીના બાઈકની નંબર પ્લેટ આધારે મેમો કરી કુલ રૂ. 1100નો દંડ કરવામાં આવ્યો છે. ગુનામાં હેલ્મેટ અને ફોન પર ચાલુ વાહને વાત કરવા બદલ દંડ કરવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ્યું છે.

આ મેમો અહીં માત્ર માહિતી પુરી પાડવા થકી મુકવામાં આવ્યો છે. મેમોમાં દંડાયેલ વ્યક્તિનું નામ વિશ્વાસ રાઠોડ છે જે જીઆરડી છે. તેઓ અમદાવાદના જ રહેવાસી છે. તેમના મેમોમાં એવી પણ નોંધ કરાઈ છે કે, ‘વોટ્સએપ પર ફોટો વાયરલ થયેલ જેના આધિન દંડ વસુલવામાં આવે છે’