બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોટ વિસ્તાર અને નદીપારના વિસ્તારો એવી બે ઓળખ ધરાવતા અમદાવાદ શહેરની ત્રીજી ઓળખ મેગાસિટીની છે. 2020ના આ વર્ષમાં તેને પડોશના ગાંધીનગર સાથે ટ્વીન સિટીની ઓળખ પણ મળી શકે છે. શહેરનો આટલો વિસ્તાર થવા છતાં નવા વિક્સેલા અમદાવાદને કળા – સંસ્કૃતિ વિષયક કોઈ નવી ઓળખ કે ઓળખચિહ્ન મળવાનું બાકી હતું.

શનિવાર, 8 ફેબ્રુઆરીની સાંજથી નવા વિક્સેલા અને હવે એથીયે આગળ વધેલા પશ્ચિમ અમદાવાદને આર્ટ ગેલરીની ભેટ મળવા સાથે નવી ઓળખ પ્રાપ્ત થઈ છે એમ હવે કહી શકાશે. અમદાવાદ જેમની કર્મભૂમિ છે તેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વૃંદાવન સોલંકીના ચિત્ર પ્રદર્શનની શરૂઆત સાથે સેટેલાઇટ રોડ પરના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત આર્ટ ગેલરીનો શનિવારની સાંજે શુભારંભ થયો. અમદાવાદના મેયર શ્રીમતી બીજલબહેન પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

સેટેલાઇટ રોડ પર રામદેવનગર ચાર રસ્તા – ગુલમહોર પાર્ક પછીના આશાવરી ટાવર રોડ સ્થિત (ફન રીપબ્લિક લેન તરીકે જાણીતી જગ્યા) ઉપરોક્ત આર્ટ ગેલરીનું નિર્માણ આમ તો પાંચેક વર્ષ અગાઉ સ્થાનિક અને તત્કાલીન સંસદસભ્ય લાલ કૃષ્ણ અડવાણીની ગ્રાન્ટમાંથી થયું હતું. જો કે કેટલાક વહીવટી કારણોસર એ પછી આર્ટ ગેલરી કાર્યાન્વિત થઈ શકી નહોતી.

આ વિગતો કળા ક્ષેત્રે ઉંડો રસ-રૂચિ ધરાવતા અને એ દિશામાં સ્વયંસેવી સંસ્થા દ્વારા કળા સંવર્ધનનું કામ કરતા વ્યવસાયી રવીન્દ્ર મરડિયા સુધી પહોંચતા તેઓ આર્ટ ગેલરીના વહીવટી સંચાલન માટે આગળ આવ્યા અને જવાબદારી સ્વીકારી. ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સેન્ટર નામની તેમના દ્વારા સંચાલિત સંસ્થાના નેજા હેઠળ પ્રારંભે સૌ પ્રથમ ચિત્ર પ્રદર્શન શહેરની ઓળખ સમા કલાકાર દ્વારા થાય તેવો પ્રસ્તાવ મુકાયો. તેમના આ પ્રસ્તાવને ચિત્રકાર વૃંદાવન સોલંકીએ વધાવી લેતા આ જ સમયગાળામાં આયોજિત અન્ય શહેરના તેમના ચિત્ર પ્રદર્શનને તત્પૂરતુ થોડા સમય માટે અમદાવાદ તરફ વાળી લીધું. હાલનું તેમનું ચિત્ર પ્રદર્શન 29 ફેબ્રુઆરી 2020 સુધી જોઈ શકાશે.

કુલ મળીને પૂર્ણ કદના પચીસથી વધુ ચિત્રો મુલાકાતીઓને જોવા મળશે. ચિત્રો ગ્રામ્ય પરિવેશ, જીવન પર આધારિત છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે એમ બે મજલામાં ફેલાયેલી આર્ટ ગેલરીની વિશાળતા જોઇને વૃંદાવનભાઈએ ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત મહેમાનો સમક્ષ યાદ કર્યું કે કારકિર્દીના પ્રારંભે પહેલું ચિત્ર કરવા માટે વતન જૂનાગઢમાં આટલી જ મોટી જગ્યા ભાડે લીધી હતી. ભાડે લીધેલી એ જગ્યા તેમની જ્ઞાતિની વાડી હતી એટલે સહેલાઇથી મળી શકી હતી. અન્યથા જૂનાગઢ જેવા એ સમયના નાના નગરમાં ત્રીસ ફીટ બાય દસ ફીટનું ચિત્ર ઘરમેળે કરવું અશક્ય હતું. ગેલરી સંચાલકો આ સ્થળે કળા સંબંધી વર્કશોપ, ચર્ચાસભાઓનું તેમજ ચિત્ર પ્રદર્શનનું નિયમિત આયોજન કરવાના છે એ ધ્યેય જાણીને તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો કે હવેના સમયમાં કળા ક્ષેત્રે કામ કરવા માંગનારનું કામ સરળ થયું છે. વિદ્યાર્થી વર્ગને એથી મોટી મદદ મળે છે.

મેયર શ્રીમતી બીજલબહેન પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓની મહેનત તેમજ શહેરીજનોની માવજત થકી શહેરને મળેલા હેરીટેજ સિટીના દરજ્જાનો ઉલ્લેખ કર્યો હતો. શહેરના નાગરિકોની સુખાકારી માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આગળના દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ પામેલી લૉ ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ સ્થળ ખાઉગલી તરીકે જાણીતું હતું જેને હવે હેપી સ્ટ્રીટનું નવું નામ મળ્યું છે. આર્ટ ગેલરીના ઉદ્ઘાટન સમયે જ વૃંદાવન સોલંકી સરખા ખ્યાતિપ્રાપ્ત, કળા સમૃધ્ધ ચિત્રકારના કામને જોવાનો શહેરીજનોને લાભ મળશે એ બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની રાજકીય પાંખના સલાહકાર, વ્યવસાયે ઇજનેર અને રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય સુરેન્દ્રભાઈ પટેલ આર્ટ ગેલરીના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવી એવો સામાન્ય અર્થ છે અને એ જ મર્યાદિત સમજણ રૂઢ થયેલી છે. અમે એથી એક કદમ આગળ વધ્યા છીએ. સુવિધાઓ, જાહેર સુખાકારી ઉપરાંત કળા, સંસ્કૃતિ, ધરોહર જાળવણીને લગતા ઉપક્રમો લોકો વચ્ચે આવે અને નાગરિકોની એમાં સામેલગીરી થાય તેવા પ્રયત્નો છે. સફળતા મળી રહી છે.

આઈસીએસી આર્ટ ગેલરી નામે નવું નામકરણ પામેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી ગેલરી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ સવારે અગિયારથી સાંજના સાત સુધી તેના મુલાકાતીઓ માટે ખુલ્લી રહી શકે તેવું આયોજન હોવાનો વિચાર ગેલરીના ક્યુરેટર રવીન્દ્ર મરડિયાએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નવજીવન – કર્મ કાફે સ્થિત સત્ય આર્ટ ગેલરીના અપવાદ સિવાય શહેરની તમામ આર્ટ ગેલરીઓ સાંજના ચારથી સાતના મર્યાદિત સમય માટે જ મુલાકાતીઓ માટે ખુલ્લી હોય છે. મર્યાદિત સમયગાળામાં મુલાકાતીઓને પડતી અગવડને ધ્યાનમાં લઈ પૂરા દિવસનો સમય ગેલરી ખુલ્લી રાખવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. સત્ય આર્ટ ગેલરી મંગળવારથી રવિવાર બપોરના બારથી રાત્રિના નવ સુધી એમ મુલાકાતીઓ માટે આદર્શ ગણાય તેવા પૂરા સમય માટે ખુલ્લી રહે છે તેમ બાકીની ગેલરીઓ પણ ખુલ્લી રહી શકે તેવો મત ઉદ્ઘાટન પછી મળેલા કળા જગત સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કર્યો હતો.

બહુધા જેમના ચિત્રોના પ્રદર્શન ગુજરાત બહાર મુંબઈ, નવી દિલ્લી, કોલકાતા, બેંગ્લોર, ચેન્નાઈ, પૂના અને હૈદરાબાદ જેવા શહેરોમાં તેમજ વિદેશમાં અવારનવાર યોજાય છે તેવા ચિત્રકાર વૃંદાવન સોલંકીના ચિત્રો, બહુમતી કામ અમદાવાદમાં ઘર આંગણે જોવા મળે એ લહાવો છે. કદીકને મળતો અવસર છે. સમયની મોકળાશ અને અનુકૂળતા સાથે આ સ્થળે ચિત્રો જોવાનો, કળા પ્રદર્શનને માણવાનો લહાવો ચૂકશો નહીં. અગાઉ જણાવ્યું તેમ ચિત્ર પ્રદર્શન 29 ફેબ્રુઆરી 2020 સુધી જોઈ શકાશે.