તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : દેશની વિખ્યાત યુનિવર્સિટીઝમાં ગણાતી એવી જે.એન.યુ., એ.એમ.યુ. અને જામીયા મીલીયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ લાંબા સમયથી ધરણાં કરી રહ્યાં છે. જે.એન.યુ. ફિ વધારોનો વિરોધ કરે છે સાથે જ CAA અને NRCને લઇ પણ રજૂઆત કરે છે. જ્યારે એ.એમ.યુ. અને જામીયા સહિત દેશની લગભગ મોટાભાગની નાની મોટી યુનિવર્સિટીઝ પણ CAA, NRCના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શનોમાં ભયંકર હિંસા ફેલાઇ જેમાં વિદ્યાર્થીઓ પોલિસની ભૂમિકા પર સવાલ કરી રહ્યાં છે. આ ઘટનાનાં પિડિત યુવા આગેવાનો ગઇકાલે રવિવારે અમદાવાદ આવ્યાં હતા, અને આંદોલનમાં થયેલી હિંસાની આપવિતી વર્ણવી હતી.

AMU ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિ મેમ્બર નતાશા બધવારે 2002ના રમખાણો યાદ કરતા કહ્યું હતું કે “જે.એન.યુ.ને ડામવાનો મુદ્દો કોઇ નવી વાત નથી, 2002માં જ્યારે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિ રમખાણોનું સત્ય જાણવા અમદાવાદ આવી હતી ત્યારે RSSના એક વ્યક્તિએ જે.એન.યુ.ને બોમથી ઉડાવી નાંખવી જોઇએ એવી વાત કહી હતી.”આમ તેઓએ RSS પર નિશાન તાક્યું હતું.

સ્વાતિ સિંઘે પણ JNUમાં વિદ્યાર્થીઓ પર બુકાનીધારી ટોળાનાં હુમલા સંદર્ભે કહ્યું હતું કે “આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલા હુમલામાં ABVPનાં કાર્યકરો હતાં જેમણે હિંસાનો માહોલ સર્જયો હતો.”

જામીયાનાં ચંદન કુમારે પોલીસે આચરેલી બર્બરતાનો હવાલો દેતા કહ્યું કે “જામીયામાં આંદોલન શાંતિપુર્વક હતું પણ પોલીસે કરેલો લાઠિચાર્જ ટોળું વિખેરવા પુરતો જ સીમીત ન્હોતો એ લાઠિચાર્જ જીવલેણ હતો. પોલિસે વિદ્યાર્થીઓને ખત્મ કરવા જેટલો બળપ્રયોગ કર્યો હતો, જે સુચવે છે કે આ વિદ્યાર્થીઓનો અવાજ ડામવાનો પ્રયત્ન હતો.”

AMUનાં કેબિનેટ મેમ્બરનિશાંત ભારદ્વાજે યુનિવર્સિટીનાં કુલપતિ અને પોલીસની ભૂમિકા પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે “કુલપતિ કે કોઇ પણ સત્તાધિશો ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાતે પણ આવ્યાં નહીં. અનિશ્ચિતકાળ માટે યુનિવર્સિટીને બંધ કરવાની ઘોષણા કરી વિદ્યાર્થીઓને ઠુંસીઠુંસી બસમાં ભરી રવાના કરવા મજબુર કરવામાં આવ્યાં હતા. જ્યારે પોલીસે પણ ટારગેટ કરી-કરી નિર્દોષ AMUનાં વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી અને માર માર્યો હતો.”

ગુજરાતના વરિષ્ઠ વકિલ અને સામાજીક કાર્યકર્તા આનંદ યાજ્ઞિકની ઓફિસ પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં ચંદન કુમાર (જામીયાનાં વિદ્યાર્થી અને પિડિત), નિશાંત ભારદ્વાજ (વિદ્યાર્થી અને AMU કેબિનેટ મેમ્બર), સ્વાતિ સિંઘ (JNU પુર્વ કાઉન્સિલર) અને નતાશા બધવાર (AMU ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિ મેમ્બર અને લેખક)ને આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના એક્ટિવિસ્ટ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જેમાં યુનિવર્સિટીઝમાં થયેલી હિંસાના કારણો અને સરકાર તેમજ પોલીસની ભૂમિકા પર નજરે જોનારા વિદ્યાર્થીઓએ ચર્ચા કરી હતી. તેમજ હાજર કાર્યકર્તાઓ દ્વારા પણ આમંત્રિતો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં થતી હિંસામાં ક્યાંકને ક્યાંક સંચાલકો સરકાર સાથે મળીને વિદ્યાર્થી પર હિંસા કરવા પોલીસ તેમજ અસામાજીક તત્વોનો સહારો લઇ રહ્યાં છે તેવા આક્ષેપો કર્યા હતાં. સાથે જ વિદ્યાર્થીઓ એ પોતાની આપવીતી રજુ કરી અપિલ કરી હતી કે ડર વિના સરકારોનાં વિભાજનકારી પગલાનો વિરોઘ કરતા રહેવું. આ કાર્યક્રમમાં ભુતપુર્વ IPS અને IIMના અદ્યાપક રજનીશ રાય તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યાં હતા.

આ કાર્યકરો અમદાવાદના શાહીન બાગ (દિલ્હીનો વિસ્તાર જયાં મોટી સંખ્યામાં લોકો લાંબા સમયથી CAA વિરોધમાં ધરણાં પર બેઠા છે.) રખીયાલમાં CAA,NRCનાં વિરોધમાં બેઠેલા લોકોનાં સમર્થનમાં જોડાયા હતા. રખીયાલમાં પણ મોટી સંખ્યામાં લોકો ધરણાં પ્રદર્શન કરી CAAનાં કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.