મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ એક સ્વામીનો એટલો પાવર કે તે ફોન પર પીઆઈ કક્ષાના અધિકારીની બદલી કરાવી નાખે એવી ઘટના સામે આવ્યા પછી સ્વામીને સંબોધતો એવો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્વામી અને આપણી સિસ્ટમને સીધો કટાક્ષ કરાયો છે. આમ બદલી મેળવવા માટે ઘણા પોલીસ કર્મીઓ પોતાના તળીયા ઘસતા હોય છે. ત્યાં સ્વામીના એક ફોનમાં બદલી થઈ જતી હોય તો ? તો તો શું જોઈએ, આ પત્રમાં નામ અને પોલીસ સ્ટેશન સહિતની વિગતો પર ખાલી જગ્યા રાખીને કહેવાયું છે કે, અમારી પણ બદલી કરાવી આપો.

વાયરલ થયેલા પત્રમાં લખ્યું છે કે, 

"જય ભારત સાથે જણાવવાનું કે અમો એલ.આર ......................... છેલ્લા પાંચ વર્ષથી........... પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરીએ છીએ અમારું રહેઠાંણ નોકરી સ્થળેથી ઘણું જ દુર થતું હોય જેથી આવવા જવામાં તકલીફ પડતી હોય અને નોકરીમાં સમયસર પહોંચતા ન હોય જેથી અમોને બદલી અમારા રહેઠાંણ નજીકના પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાવવા આપ સ્વામી સાહેબને નમ્ર વિનંતી.
    આપ સ્વામી શ્રીની ગાડી રોકતા આપ તાત્કાલીક બદલી કરાવી આપો છો તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી અમે રોકીએ અને અમારી બદલી થઈ શકે.. તા....
નોંધઃ ડિસીપ્લીનમાં બંધાયેલ એલ.આર."

ઉલ્લેખનીય છે કે આ પત્રમાં છેલ્લી નોંધ સુધી પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓને ડિસીપ્લીનના નામે જે પ્રકારે પડતી હેરાનગતિઓ છે તેને પણ અહીં એક જ લાઈનમાં આવરી લેવામાં આવી છે. ઘટના એવી હતી કે અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રે કરફ્યૂ સમયે એક ફોર્ચ્યૂર્નર કાર નીકળી હતી. જેમાં કલોકના સ્વામિનારાયણ સ્વામી હતા. મોડી રાત્રે છ જેટલા ચેલાઓ સાથે નિકળેલો સ્વામી એટલી દાદાગીરીમાં હતો કે તેને પોલીસે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કાર્યવાહી કરવાની હતી ત્યારે જ સ્વામીએ પોતાનો વટ પાડી દીધો તેણે પહેલા એક ધારાસભ્ય અને પછી મંત્રી અને છેલ્લે ઉપરી અધિકારીના વાડજ પીઆઈને ફોન આવવા લાગ્યા અને બધાને જવા દેવા પડ્યા. એટલું જ નહીં વાડજ પીઆઈ રાઠવાને તાત્કાલીક અસરથી સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી પણ આપી દેવાઈ. સ્વામીનું બહાનું એવું હતું કે માર માર્યો હતો અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

કારમાં બસેલા સ્વામીના ચેલાઓએ દાવો કર્યો હતો કે તેઓ કલોલ સ્વામિનારાયણના સ્વામી ડી વી સ્વામીને ફાઈલ બતાવવા ઉસ્માનપુરાની હોસ્પિટલમાં ગયા હતા. પોલીસે ફાઈલ માગી તો ફાઈલ ન હતી. પછી આખો બખેડો ઊભો થયો. જોકે ઉપરથી જ્યારે મંત્રી અને ધારાસભ્યના ફોન આવ્યા છતાં પીઆઈએ બધાને બેસાડી જ રાખ્યા પણ આખરે પીઆઈના જ ઉપરી અધિકારીની સૂચના આવી ત્યારે તે બધાને જવા દેવાયા.