મેરાન્યૂઝ નેટર્વક.અમદાવાદઃ અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW (મલ્ટી પર્પસ હેલ્થ વર્કર)ને કોન્ટ્રોક્ટ પધ્ધતી દ્વારા કામ આપવામાં આવ્યું હતું. મહામારીના સમયે જ્યારે આરોગ્ય ક્ષેત્રમાં કર્મચારીઓની જરુર હતી તે સમયે કર્મચારીઓને કોરોના વોરિયર્સના નામે સમ્માનિત કરવામાં આવ્યા અને હવે જ્યારે અમારી જરુર નથી ત્યારે અમને અચાનક કોઈ નોટિસ આપ્યા વગર છુટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેવી હૈયાવરાળ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અમદાવાદ આરોગ્ય ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે અમને યૂઝ એન્ડ થ્રો કર્યા છે.

જે સમયે કોરોના તેની ઉચ્ચ સપાટીએ હતો તે સમયે મેડીકલ કર્મચારીઓની અછતને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને લેબ ટેકનીશીયન્સને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ મહામારી સમયે ટેસ્ટીંગથી લઈને વેક્સિન આપવા સુધીની કામગીરી કરી હતી. જેતે સમયે કોરોનાને કારણે સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકી તેમણે કામગીરી કરી હતી, જે સમયે લોકો પોતાના બીમાર સ્વજનથી અંતર કરતા હતા ત્યારે તેમણે તેમના સ્વજનની સંભાળ રાખી હતી, જેને કારણે જ તેમને કોરોના વોરિયર જેવા ભારેભરખમ શબ્દપ્રયોગથી ઉંચા આસમાને બેસાડી નેતાઓએ સરાહના કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે વેક્સિનની કામગીરી પેટે સરકારે જે વળતર ચુકવવાની વાત કરી હતી તે છેલ્લા 7 મહિનાથી તેમને ચુકવવામાં આવ્યું નથી અને કોઈ પ્રકારની નોટિસ વગર તેમને માત્ર એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે આજથી તેમને ફરજ પર આવવાનું નથી.

Advertisement


 

 

 

 

 

જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 1100 જેટલા કર્મચારીઓ અમદાવાદના આરોગ્ય ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કર્મચારીઓની મુખ્ય માગ એવી છે કે જેમ મહારાષ્ટ્ર અને દિલ્હી સરકાર દ્વારા MPHW કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા તેમ આ કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવે. તેમના આગેવાનોનું કહેવુ છે કે , “અમારે કોરોના વોરિયર્સનુ સમ્માન નથી જોઈતુ અમને માત્ર અમારો અધિકાર અને કાયમી નોકરી આપો. આ સરકાર અને કોર્પોરેશને અમારો યુઝ એન્ડ થ્રો જ કર્યો છે. જ્યાં સુધી અમારી જરુર હતી ત્યાં સુધી અમારો ઉપયોગ કર્યો અને હવે જ્યારે અમારી જરુર નથી ત્યારે અમને તાત્કાલીક પણે છુટા કરી દેવામાં આવ્યા છે.”

આ કર્મચારીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીને પણ સંર્પક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંર્પક ન થતા કર્મચારીઓ દ્વારા હેલ્થ ઓફિસર દિવ્યાંગ ઓઝાને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

Advertisement