મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મકાનમાં એલપીજી ગેસનો સિલિન્ડર ફાટતા ઘર ધરાશાયી થઈ ગયું છે. ઘટનામાં બે વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યા છે. અચાનક થયેલા વિસ્ફોટને કારણે અન્ય લોકમાં પણ શરૂઆતમાં ગભરાટ જોવા મળ્યો હતો. અહીં રહેતા પરિવારના છ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અન્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાંથી 2 વ્યક્તિની હાલત હજુ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવદાના રાણીપ વિસ્તારમાં નેમિનાથ સોસાયટી આવેલી છે જેમાં નુતનબેન રસિકભાઈ પંચાલ (55), ભાવનાબેન પટેલ (55), મયુર પંચાલ, આશિષ પટેલ, વિષ્ણું પટેલ અને ઈચ્છાબેન પટેલ એમ બે પરિવારો રહેતા હતા. અહીં અચાનક એલપીજી ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘર કકડભૂસ થઈને પડ્યું હતું. કાટમાળમાં આ સભ્યો દટાઈ ગયા હતા. અચાનક થયેલા બ્લાસ્ટને કારણે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા.


 

 

 

 

 

ફાયર બ્રિગેડના લાશકરોએ તુરંત કાર્યવાહી કરતાં કાટમાળમાં ફસાયેલા લોકને બહાર કાઢવા મથામણ શરૂ કરી હતી. બનાવમાં 4 વ્યક્તિને જીવીત બહાર કાઢવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. જોકે તેઓ ઈજાગ્રસ્ત હોઈ તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલો પૈકીના 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.. દરમિયાનમાં બે વ્યક્તિ નુતનબેન અને ભાવનાબેન મૃત્યુ પામ્યા હતા.

ફાયર વિભાગમાંથી મળતી જાણકારી પ્રમાણે અહીં તપાસ દરમિયાન એલપીજી સિલિન્ડર લીકેજ હોવાને કારણે અચાનક બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ આ સામે આવ્યું છે. જોકે ફાયર વિભાગ હજુ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરશે.