મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત ભરમાં નવા ટ્રાફિક દંડોને લઈને લોકોમાં રોષ તો છે જ સાથે જ પોલીસની માથે પણ આ નવા નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે. જેમાં સામ સામે ઘર્ષણ થાય તેવી પુરી શક્યતાઓ છે જોકે પોલીસને ઘર્ષણમાં ન ઉતરી કાયદા પ્રમાણે કામ કરવાના સૂચનો છે. આજે સોમવારે સવારથી જ ટ્રાફીક પોલીસ અને પબ્લીક વચ્ચે કાંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. તેવા સંજોગોમાં અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની જ મેમો બુક લઈ બાઈક સવાર બે શખ્સો ભાગી ગયા હોવાની ઘટના બની હતી.

લાલદરવાજાની જુમ્મા મસ્જીદ પાસે ટ્રાફિક પોલીસની મેમો બુક લઈ બાઈક સવાર બે શખ્સો ભાગી ગયા હતા. જોકે અન્ય એક પોલીસ કર્મીએ બાઈક પર તે શખ્સોનો પીછો કરતાં શખ્સોએ મેમો બુક જ રસ્તામાં ફેંકી દીધી હતી. આ મામલે જોકે હજુ સુધી ફરિયાદ થઈ નથી અને કદાચ મેમો બુક પરત મળી ગઈ હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના એવી હતી કે લાલદરવાજા જુમ્મા મસ્જીદ ખાતે પોલીસ ટ્રાફિકના નિયમનમાં ઊભી હતી. દરમિયાન બે શખ્સો હેલ્મેટ પહેર્યા વગર ત્યાંથી જતાં હતા. સ્વાભાવીક છે કે પોલીસે તેમને અટકાવ્યા અને મેમો બનાવવાનું શરૂ કર્યું. પોલીસે મેમો તૈયાર કરી મેમોમાં તેમની સહી કરાવવા માટે મેમો બુક તેમના હાથમાં આપી અને મેમો બુક જેવી તેમના હાથમાં આપવા ગયા ત્યાં જ મેમો બુક ઝૂંટવીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે પ્રથમ હાસ્યાસ્પદ લાગતી આ ઘટનામાં પોલીસ કર્મીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. અન્ય એક પીએસઆઈએ બાઈક પર તેમનો પીછો કરતાં તેઓએ મેમોબુક રસ્તામાં જ ફેંકી દીધી હતી.

આવી જ ઘણી ઘટનાઓ ટ્રાફીક પોલીસ અને પબ્લીક વચ્ચે આજે સવારથી જ બની રહી છે. ઘણાને પોલીસ જ્યારે પુછે ટ્રાફિક નિયમ કેમ ન પાળ્યો તો વિવિધ બહાના આપી રહ્યા છે. ક્યાંક તકરાર થઈ હતી. 

અમદાવાદમાં જ્યારે એક રોંગ સાઈડમાં મહિલા આવી રહી હતી ત્યારે તેને પોલીસે 1500 રૂપિયા દંડ ભરવાની વાત કરી તો મહિલાએ કહ્યું મારી જોડે તો 200 રૂપિયા જ છે. 1500 તો હું ક્યાથી લાવું તેવો જવાબ આપ્યો હતો. વડોદરામાં પણ એક મહિલા પોલીસ સાયમા બલોચનું વાહન રોકવામાં આવ્યું હતું. તેમણે હેલમેટ પહેર્યું ન હતું. સાથે જ વાહન પર પોલીસ લખેલું હતું તેથી પોલીસે તેમને પણ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત પોલીસને હોસ્પિટલ જાઉં છું, ભૂલી ગયો, હેલમેટ ચોરી થયું વગેરે જેવા ઘણા નિયમો તોડવાના કારણો લોકો પાસેથી જાણવા મળી રહ્યા છે.