મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની ટ્રાફીક સમસ્યા અને તેના નિયમોના પાલન માટે કામ કરતી ટ્રાફીક પોલીસ ઘણીવાર લોકો સાથે અવ્યવહારુ વર્તન કરતી હોય છે. જે લોકો તેનો ભોગ બન્યા તે પૈકીના લોકોના માનસમાં પોલીસની ભૂંડી છાપ ઊભી થઈ, જેમને સારા અનુભવ થયા તેમના માનસમાં સારી છાપ ઊભી થઈ. જોકે આ બધાથી અલગ એક ઘટના આજે બની છે જેમાં અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ પર એક અજાણ્યા શખ્સે ફોન કરી ધમકી આપી છે કે શિવરંજની ટ્રાફીક બુથમાં આગ લાગી છે. જોકે પોલીસે ત્યાં જઈ તપાસ કરી તો ત્યાં બધું સામાન્ય હતું. એટલે પોલીસે સામે તે વ્યક્તિને ફોન કર્યો તો તેણે જવાબ આપ્યો કે તમે ટ્રાફીક પોલીસ ઘણા હેરાન કરો છો, એટલે બુથને સળગાવી બ્લાસ્ટ કરી દઈશ. આ શખ્સ સામે હવે અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે શિવરંજની ખાતે ટ્રાફીક બુથમાં આગ લાગી હોવાનું પોલીસને જણાવ્યું હતું. કંટ્રોલ રૂમને આગના મેસેજ મળતાં તેમણે આ સંદેશો ડિવિઝનલ સ્ટાફને આપતા તેઓ સ્થળ તપાસે ગયા પરંતુ ત્યાં બધું જેમ હતું તેમ જ ચાલતું હતું. કોઈ આગની ઘટના બની ન્હોતી. પોલીસને અંદાજ આવી ગયો કે કોઈ શખ્સે પોલીસને પરેશાન કરવા આવું કર્યું છે. પોલીસે કંટ્રોલ રૂમમાંથી મળેલા તેના નંબર પર ફોન કર્યો તો તેણે પોલીસને કહ્યું તમે ટ્રાફીકના માણસો દરરોજ મને હેરાન કરો છો. હું રાત્રે આવીને ટ્રાફીક બુથ સળગાવી નાખીસ અને બ્લાસ્ટ કરી નાખીશ તમારાથી થાય એ કરી લેજો. પછી કેટલાક અપશબ્દો આપી ફોન કાપી નાખ્યો.

જોકે આ વ્યક્તિને પોલીસ કઈ રીતે હેરાન કરી ગઈ તે અંગેની જાણકારી મળી રહી નથી. પરંતુ આ સંદર્ભમાં સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ શખ્સને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. શખ્સના પકડાયા પછી આવા ઘણા સવાલોનો જવાબ મળી શકે તેમ છે.