મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે પરિવહન સેવાઓને વધુ સસ્તી, ઝડપી અને આરામદાયક બનાવવામાં આવી રહી છે. જેમાં હવે ટ્રેનની સુવિધા ઊભી કરવામાં આવી છે. અમદાવાદથી કેવડિયા સુધી અહીં રૂપિયા 120માં પહોંચી શકાશે. ઉલ્લેખનીય છે કે સી પ્લેનના ભાડાને લઈને અગાઉ લોકો ઘણા નારાજ થયા હતા. કેવડિયા સુધી સી-પ્લેન અને બસ સેવાઓ પણ છે જોકે આ બંને સેવાઓ કરતાં આ ટ્રેન સેવાનો પ્રવાસ વ્યક્તિ માટે વધુ સસ્તો, આરામદાયક અને સરળ બની રહેશે.

અમદાવાદથી કેવડિયા સુધીની રોજીંદી જનસતાબ્દી ટ્રેન શરૂ કરવામાં આવી છે. 18 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી આ ટ્રેન માટે બુકીંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનમાં અલગ અલગ સુવિધાઓ માટે અલગ અલગ ભાડા છે. જનરલ કોચમાં રૂપિયા 120 ભાડું, ચેર કારમાં 395 ભાડુ અને વિસ્ટા ડોમ કોચમાં 885 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે દેશભરમાંથી દાદર, વારાણસી, રીવા, ચેન્નાઈ સેન્ટ્રલ સહિત અલગ અલગ શહેરોથી 10 ટ્રેન શરૂ કરવામાં આવી છે.

કેવડિયાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી 8 ટ્રેનમાં 1. ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક) 2. ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા - દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક) 3. ટ્રેન નં- 09447/48- અમદાવાદ થી કેવડિયા - જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક) 4. ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક), 5. ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક) 6. ટ્રેન નં- 09119/20- ચેન્નઈથી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક) 7. ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક) 8. ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)નો સમાવેશ થાય છે.