મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલના 22 વિદ્યાર્થીઓને ઘરે પરત લઇ જતી ઇકો કારમાંથી ગઇકાલે બપોરે 12:30 વાગ્યા આસપાસ ખોડિયાર માતાના મંદિર નજીક વળાંક લેતા સમયે ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકતા તેમને ઇજાઓ થઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.

આ ઘટનામાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી કીર્તિ કલ્પેશભાઇ ઠાકોર (સુંદરવન સોસાયટી, નિકોલ) સહિત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ઇકો ચાલક કાળુ દેસાઇ અને વાહનનાં માલિક પ્રવીણ જયસ્વાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સોમવારે તેઓ સ્કૂલેથી છોટ્યા બાદ વાનમાં આવી રહ્યા હતા ત્યારે વાન બગડતા વાન ચાલકે ઇકો કાર બોલાવી તેમાં બધાને બેસાડ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ઇકો કારનો ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. પોલીસે ઇકો વાન જપ્ત કરી છે તથા તેનો ચાલક ફરાર થઇ ગયો છે.